હસન અલીની પત્ની સામિયા મૂળ હરિયાણાની છે

લાહોરઃ ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી T20 વર્લ્ડ કપ-2021ની સેમી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે પાકિસ્તાનનો પરાજય થતાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની સોશિયલ મિડિયા પર ખૂબ મજાક ઉડાવાઈ રહી છે. એની બોલિંગને માટે નહીં, પણ 19મી ઓવરમાં લોન્ગ-ઓન ક્ષેત્રમાં ફિલ્ડિંગ કરતી વખતે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટ્સમેન મેથ્યૂ વેડનો આસાન કેચ પડતો મૂકવા બદલ. કારણ કે તે કેચ-ડ્રોપ થતાં વેડ બે રન દોડી ગયો હતો અને એ પછીના ત્રણ બોલમાં એણે ત્રણ સિક્સર ફટકારી હતી. આમ, હસન અલીએ પડતો મૂકેલો કેચ પાકિસ્તાનને ભારે પડી ગયો.

આ હસન અલીની પત્ની સામિયા આરઝુ મૂળ ભારતની, હરિયાણાની છે. એનો પરિવાર હાલ દિલ્હીમાં વસે છે. સામિયા વિરાટ કોહલીની પ્રશંસક છે. ગઈ કાલની મેચમાં હસનઅલીએ કેચ પડતો મૂકતાં અને પાકિસ્તાન હારી ગયા બાદ સામિયા તથા એની મિત્ર સાનિયા મિર્ઝા-મલિકની સોશિયલ મિડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકને પરણેલી સાનિયા ભારતીય ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા બાદ દુબઈના સ્ટેડિયમમાં પાકિસ્તાન ટીમને બિરદાવતી હતી. સામિયા આરઝૂ એમિરેટ્સ એરલાઈન્સમાં ફ્લાઈટ એન્જિનીયર છે. હસન અને સામિયાએ 2019માં દુબઈમાં લગ્ન કર્યાં હતાં. ત્યારે સામિયાનાં પરિવારજનો હરિયાણાના ફરિદાબાદમાં રહેતાં હતાં. સામિયાએ ફરિદાબાદમાં જ એનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. સામિયા અને હસન અલી બે વર્ષ સુધી એકબીજાંને ડેટિંગ કરતાં રહ્યાં હતાં અને તે પછી એમણે લગ્ન કર્યાં હતાં. દંપતીને એક પુત્રી છે – હેલેના. તેનો જન્મ આ જ વર્ષની 6ઠ્ઠી એપ્રિલે થયો હતો.