ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની માંચેસ્ટર ટેસ્ટ કોરોનાને લીધે રદ

માંચેસ્ટરઃ ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાનારી માંચેસ્ટર ટેસ્ટને રદ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આ માહિતી ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ બોર્ડ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમની અંદર કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારાની આશંકાને કારણે ભારત ટીમને મેદાનમાં ઉતારવા માટે અસમર્થ છે. અમે આ ન્યૂઝ માટે ક્રિકેટચાહકોની માફી માગીએ છીએ. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ માંચેસ્ટરમાં શુક્રવારથી રમાવાની હતી.

ઇંગ્લેન્ડ બોર્ડે ટેસ્ટ શરૂ થવા પહેલાં BCCIથી દરેક મુદ્દે વાત કરી હતી અને સુરક્ષાને સર્વોપરી રાખી હતી. ગુરુવારે ટીમ ઇન્ડિયાના ફિઝિયોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે ભારતીય ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે પછી ટેસ્ટ મેચ રમાવાની શક્યતા હતી. ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડથી 2-1થી આગળ છે.

આ પહેલાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મેચ રમાવા વિશે આશંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે પાંચમી ટેસ્ટ મેચ રમાશે કે નહીં –એના પર કશું કહી નહીં શકાય.ગાંગુલી સિવાય ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને કહ્યું હતું કે પાંચમા ટેસ્ટનો પહેલો દિવસ રદ થશે.

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એ પછી બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમાઈ હતી, જેને ટીમ ઇન્ડિયાએ જીતી હતી. ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતવામાં સફળ રહ્યું હતું. એ પછી ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરી હતી અને જીત હાંસલ કરી હતી.