મુંબઈઃ મોડેલ-અભિનેત્રી રિયા પિલ્લાઈએ એનાં ભૂતપૂર્વ પાર્ટનર, ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ વિરુદ્ધ કરેલાં ઘરેલુ શોષણનાં કેસમાં અહીંની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે પેસને કસૂરવાર ઠરાવ્યો છે. રિયાએ એવો આરોપ મૂક્યો છે કે પેસે એની પર અનેક વાર ઘરેલુ અત્યાચાર કર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોમલસિંહ રાજપૂતે આ મહિનાના આરંભમાં ઓર્ડર પાસ કર્યો હતો, જે હાલમાં ઉપલબ્ધ થયો છે.
રિયાએ 2014માં કોર્ટમાં કેસ કર્યો હતો અને મહિલાઓને ઘરેલુ શોષણ સામે રક્ષણ આપતા કાયદા હેઠળ પોતાને રાહત અને રક્ષણ આપવામાં આવે એવી અરજી કરી હતી. તેણે એમ કહ્યું હતું કે એ પેસ સાથે આઠ વર્ષ સુધી લગ્નની જેમ જ, લિવ-ઈન રિલેશનશિપમાં હતી. રિયાએ દાવો કર્યો હતો કે પેસની હરકતો અને વર્તનને કારણે પોતે મૌખિક, ભાવનાત્મક અને આર્થિક શોષણનો ભોગ બની હતી, જે પરિણામે અત્યંત ભાવનાત્મક હિંસા અને આઘાતમાં પરિણમ્યા હતા.
મહિલા મેજિસ્ટ્રેટે એમનાં ઓર્ડરમાં જણાવ્યું છે કે, પ્રતિવાદી (પેસએ) અનેક પ્રકારે ઘરેલુ હિંસા આચરી હતી એ સાબિત થયું છે.’ કોર્ટે પેસને આદેશ આપ્યો છે કે એણે રિયા પિલ્લાઈને માસિક ભાડા પેટે રૂ. 50,000 અને ભરણપોષણ પેટે માસિક રૂ. 1 લાખનું ભથ્થું ચૂકવવાનું રહેશે. પરંતુ જો રિયા જો બાન્દ્રામાં બંનેનાં સહિયારા રહેઠાણમાં રહેવાનું ચાલુ રાખવા માગતી હોય તો એ નાણાકીય રાહત મેળવવાને હકદાર નહીં રહે. ટેનિસમાં પેસની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ચૂકી છે તેથી એને કોઈ ભાડાના ઘરમાં રહેવા અને બીજી બાજુ રિયાને ભરણપોષણની રકમ ચૂકવવાનો આદેશ આપવો એ તેને માટે ગંભીર પૂર્વગ્રહ રાખ્યો ગણાશે.
રિયા અને પેસ આઠ વર્ષ સુધી સાથે રહ્યાં બાદ 2009માં અલગ થયાં હતાં. બંનેને ઐયાના નામની 15 વર્ષની દીકરી છે, જે રિયા સાથે રહે છે.