કૃણાલ પંડ્યા પણ પરણી ગયો; કોહલીના રિસેપ્શનમાં કૃણાલ-હાર્દિક હાજર રહી ન શક્યા

મુંબઈ – ઝહીર ખાન, ભૂવનેશ્વર કુમાર, વિરાટ કોહલી બાદ હવે એક વધુ ક્રિકેટર, કૃણાલ પંડ્યા પણ પરણી ગયો છે. વડોદરાનિવાસી કૃણાલે પંજાબી છોકરી પંખૂડી શર્મા સાથે આજે મુંબઈમાં ફાઈવ સ્ટાર હોટેલ જે.ડબલ્યૂ. મેરિયટ હોટેલમાં લગ્ન કર્યા છે. સચીન તેંડુલકરે લગ્ન સમારંભમાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ, શુભેચ્છા આપ્યા હતા.

કૃણાલ અને પંખૂડી બે વર્ષથી એક બીજાનાં પ્રેમસંબંધમાં હતાં.

ભારતીય ક્રિકેટ ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો રોમાન્સ, ઈટાલીમાં લગ્ન અને દિલ્હી-મુંબઈમાં બે રિસેપ્શન ખૂબ ગાજ્યાં છે. કોહલી-અનુષ્કાએ દંપતી બનીને ભારત પાછા ફરીને બે સ્થળે રિસેપ્શન યોજીને એમનાં સગાંસંબંધીઓ, મિત્રો, ઉદ્યોગ-ક્ષેત્રનાં નામાંકિત લોકોને પાર્ટી આપી હતી.

મંગળવારે મુંબઈમાં યોજેલા રિસેપ્શનમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટ ફિલ્ડના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી, પરંતુ બે ક્રિકેટર-બંધુની ગેરહાજરી સૌનું ધ્યાન ખેંચી ગઈ હતી.

આ બે ક્રિકેટર બંધુ એટલે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા.

બંને ભાઈ કોહલીના રિસેપ્શનમાં હાજર રહી ન શક્યા એનું કારણ એ હતું કે કૃણાલ ખુદ લગ્નના માંડવે પરણવાને સજ્જ થઈ ગયો હતો અને મંગળવારે એની પીઠી ચોળવાની વિધિ હતી. મોટો ભાઈ પરણી રહ્યો હતો એટલે હાર્દિક એ આનંદમાં મસ્ત-મશગુલ હતો.

પંડ્યા ભાઈઓ કૃણાલ-પંખૂડીનાં મેહંદી કાર્યક્રમમાં હાજર ખૂબ નાચ્યા હતા અને એનો વિડિયો વાયરલ થયો છે.

હાર્દિક અને કૃણાલ એક પંજાબી ગીત પર ડાન્સ કરતા એ વિડિયો ક્લિપમાં જોવા મળે છે.

હાર્દિક અને કૃણાલ આઈપીએલ સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમે છે. બંને જણ ઓલરાઉન્ડર છે.

હાર્દિકની તો દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનાર ટીમમાં પસંદગી પણ કરવામાં આવી છે. 2017નું વર્ષ હાર્દિક માટે ઘણું લકી સાબિત થયું છે. આ વર્ષમાં એણે ભારતીય ટીમ વતી રમીને કેટલાક વિક્રમો નોંધાવ્યા છે.