48 વર્ષના આનંદે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જીતી; પીએમ મોદીએ અભિનંદન આપ્યા

ચેન્નાઈ – ઉંમર વધી રહી હોવા છતાં વિશ્વનાથન આનંદે રિયાધમાં વર્લ્ડ રેપિડ ચેસ સ્પર્ધા જીતીને એમના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.

પાંચ વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનેલા આનંદની આ જીતથી ભારતના ચેસચાહકોમાં આનંદ છવાઈ ગયો છે.

48 વર્ષના આનંદે કિંગ સલમાન વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જીતી છે અને 64-ચોકઠાની બોર્ડ ગેમમાં પોતાની સર્વોપરિતા ફરી સિદ્ધ કરી છે.

આનંદે ટ્વીટ કરીને કહ્યું છે કે ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યો એથી ખૂબ જ આશ્ચર્યનો અનુભવ કરી રહ્યો છું.

આનંદ બાદ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર ફેડોસીવ અને ત્રીજા ત્રમે રશિયાના જ ઈયાન નેપોનીયાચી છે.

ટાઈબ્રેકમાં આનંદે વ્લાદિમીર ફેડોસીવને 2-0થી પરાજય આપ્યો હતો.

ભારતનો પી. હરિકૃષ્ણ 16મો, સૂર્યશેખર ગાંગુલી 60મો, વિદીત ગુજરાતી 61મો આવ્યો હતો.

મહિલાઓનાં વર્ગમાં વિજેતાપદ ચીનની જુ વેનજુને હાંસલ કર્યું છે. બીજા ક્રમે ચીનની લી તીન્જી અને ત્રીજા ક્રમે જર્મનીની એલિઝાબેથ પોટ્ઝ છે. ભારતની ટોચની ખેલાડી દ્રોણાવલ્લી હારિકા 19મા ક્રમે આવી હતી.

આનંદ એમના સ્કૂલ વિદ્યાર્થી તરીકેના દિવસોમાં જ ચેસની રમતમાં ‘વિદ્યુતવેગી બાળક’ તરીકે જાણીતા થયા હતા.

આનંદ વર્લ્ડ રેપિડ વિજેતાપદ ફરી ભારત લાવવામાં સફળ થયા છે.

આનંદના પત્ની અરૂણા આનંદે કહ્યું કે, આનંદ હંમેશાં ખુલ્લા મન સાથે સ્પર્ધામાં રમવા જતા હોય છે. સ્પર્ધામાં પોતાના જીતવાની શક્યતા વિશે એ ક્યારેય કંઈ બોલતા નથી. આ વખતની સ્પર્ધામાં એમણે ખરા સમયે મહત્વની ગેમ્સ જીતી હતી.

આ જીત બદલ આનંદ પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આનંદને અભિનંદન આપ્યા છે.

આનંદના ભૂતપૂર્વ હરીફ અને રશિયાના દંતકથાસમા ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે પણ આનંદને અભિનંદન આપ્યા છે અને કહ્યું કે એમની આ જીતથી એમના ટીકાકારોની બોલતી બંધ થશે.