ટીમ ઈન્ડિયાઃ ૨૦૧૭ રહ્યું ધરખમ સફળતાવાળું, ઈંતેજાર છે ૨૦૧૮નો…

મેન ઈન બ્લૂ – ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ ૨૦૧૭માં જે એક એકથી ચડિયાતી સફળતાઓ હાંસલ કરી છે એને કારણે ક્રિકેટજગતમાં એ ચર્ચાનો વિષય બની ગઈ છે.

એકદમ તાજેતરમાં, ભારતીય ટીમે શ્રીલંકાને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં 3-0થી વ્હાઈટવોશ પરાજય આપ્યો હતો.

લેટેસ્ટ સિરીઝમાં ભારતને ત્રણ યુવા ખેલાડીઓ મળ્યા – કુલદીપ યાદવ, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર. તો કામચલાઉ સુકાની રોહિત શર્માએ તો વિક્રમોની તોડફોડ કરી નાખી.

૨૦૧૭માં ભારતનો ઊડીને આંખે વળગેલો દેખાવઃ

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સમાં ભારત વિરુદ્ધ હરીફ ટીમોઃ

10 મેચમાં જીત – ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે

6 મેચમાં જીત – પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે

પાંચ મેચમાં જીત – બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે જીત

શ્રીલંકા સામે સિરીઝની છેલ્લી મેચમાં ભારતની જીત એટલે કે…

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતની પહેલી T20I જીત

છેક 2011ના ઓક્ટોબર પછી વાનખેડેમાં ભારતે મર્યાદિત ઓવરોની મેચમાં પહેલી જીત મેળવી. (પાંચ મેચો બાદ)

ત્રણ-મેચોવાળી દ્વિપક્ષી T20I સિરીઝમાં ભારત

વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (2016) – જીત

વિરુદ્ધ શ્રીલંકા (2016) – જીત

વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2016) – જીત

વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2017) – જીત

વિરુદ્ધ ન્યૂ ઝીલેન્ડ (2017) – જીત

વિરુદ્ધ શ્રીલંકા (2017) – જીત

વર્ષ 2017માં ભારતીય ટીમઃ

જીત મેળવી – 37 મેચમાં

હાર મળી – 12 મેચમાં

ડ્રો પરિણામ – 3 મેચ

નો-રિઝલ્ટ – 1 મેચ

એક જ વર્ષમાં તમામ ફોર્મેટ્સમાં સૌથી વધારે જીત મેળવવાનો વિક્રમ ટીમ ઈન્ડિયા બીજા ક્રમે…

38 મેચમાં જીત – ઓસ્ટ્રેલિયા (વર્ષ 2003)

37 મેચમાં જીત – ભારત (વર્ષ 2017)

35 મેચમાં જીત – ઓસ્ટ્રેલિયા (વર્ષ 1999)

દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ, વન-ડે, ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ

ભારતીય ટીમ હવે 2018ના વર્ષનો આરંભ દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી કરશે. પાંચ જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં રહેશે. ત્યાં બંને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ, 6 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમાશે.

પહેલા ટેસ્ટ શ્રેણી રમાશે. પહેલી ટેસ્ટ 9 જાન્યુઆરીથી ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે. બીજી ટેસ્ટ 17 જાન્યુઆરીથી સેન્ચુરિયનમાં અને ત્રીજી ટેસ્ટ 28 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં રમાશે. 1 ફેબ્રુઆરીથી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી શરૂ થશે. 1, 4, 7, 10, 13 અને 16 ફેબ્રુઆરીએ ડરબન, સેન્ચુરિયન, કેપટાઉન, જોહનિસબર્ગ, પોર્ટ એલિઝાબેથ અને સેન્ચુરિયનમાં મેચો રમાશે. ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો 18, 21, 24 ફેબ્રુઆરીએ અનુક્રમે જોહનિસબર્ગ, સેન્ચુરિયન અને કેપટાઉનમાં રમાશે.

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ દક્ષિણ આફ્રિકામાં પોતાનો સતત 10મો ટેસ્ટ શ્રેણી વિજય હાંસલ કરવાનો મનસુબો થરાવે છે. જોકે એમની પ્રતિષ્ઠા વિદેશની ધરતી પર નબળો દેખાવ કરવાની રહેલી છે. કોહલીની ટીમ આ છાપ સુધારવાનો પ્રયત્ન જરૂર કરશે.

ઘરઆંગણાની મોસમમાં ન્યૂ ઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ નંબર-વન ટેસ્ટ ટીમ બની. આ વખતે દક્ષિણ આફ્રિકાને એની ધરતી પર હરાવવાનું કામ મોટા પડકારવાળું છે, એવું રોહિત શર્માનું કહેવું છે. જોકે ઘરઆંગણે ટીમનો રહેલો જોરદાર દેખાવ દક્ષિણ આફ્રિકા સામે મોટું બળ પૂરું પાડશે એવુંય તે માને છે.

છેલ્લા બે વર્ષમાં ભારતે પ્રમાણમાં નબળી એવી વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમો પર વિજય મેળવીને વિદેશની ધરતી પર સફળતા મેળવી હતી.

ભૂતપૂર્વ કેપ્ટન અને સ્પિનર બિશનસિંહ બેદીનું કહેવું છે કે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં રમતી વખતે 2017ના વર્ષમાં પોતાના ઝળહળતા દેખાવને યાદ કર્યા કરવો ન જોઈએ અને એને બદલે નવા પડકાર સામે જંગ ખેલવો જોઈએ.

દક્ષિણ આફ્રિકાને કોણ ભારે પડી શકે છે? ગ્રેમ સ્મિથની પસંદગીના આ છે ત્રણ બેટ્સમેન

વિરાટ કોહલી

રોહિત શર્મા

શિખર ધવન