એન્ટીગાઃ અહીંના કૂલિજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગઈ કાલે શ્રીલંકા સામે રમાઈ ગયેલી સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સુપરસ્ટાર ક્રિકેટર અને કેપ્ટન કાઈરન પોલાર્ડે છ બોલમાં છ સિક્સ ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર તે દુનિયાનો માત્ર ત્રીજો જ બેટ્સમેન બન્યો છે. એણે ગઈ કાલે શ્રીલંકાના ઓફ્ફ-સ્પિનર અકીલા ધનંજયની બોલિંગમાં છ સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના દાવની એ ચોથી ઓવર હતી. વેસ્ટ ઈન્ડિઝે 3-મેચની સિરીઝની પહેલી મેચ 4-વિકેટથી જીતી લીધી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન કર્યા હતા. એના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13.1 ઓવરમાં 6-વિકેટ ગુમાવીને 134 રન કરીને મેચ જીતી લીધી હતી. પોલાર્ડ 11 બોલમાં 38 રન કરીને આઉટ થયો હતો. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. પોલાર્ડે ફટકા માર્યા એ પહેલાં ધનંજયે વેસ્ટ ઈન્ડિઝના દાવની શરૂઆતમાં જ હેટ-ટ્રિક લીધી હતી. એણે દાવની ચોથી ઓવરમાં ઈવીન લૂઈસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનને આઉટ કર્યા હતા.
આ સિદ્ધિ સાથે પોલાર્ડ યુવરાજ સિંહ અને દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સ સાથે જોડાયો છે. યુવરાજે છ-બોલમાં છ-સિક્સર ફટકારવાની સિદ્ધિ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 ક્રિકેટમાં (ઈંગ્લેન્ડ સામે) મેળવી હતી જ્યારે ગિબ્સે 2007ની વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ સામેની મેચમાં છ સિક્સ ફટકારી હતી.
Absolute scenes 🤯@KieronPollard55 becomes the first @windiescricket player to hit six straight sixes in a T20I!#WIvSL pic.twitter.com/nrtmJHGcip
— ICC (@ICC) March 4, 2021
(તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)