કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા અપાઈ; તબિયત સારી છે

નવી દિલ્હીઃ ભારતની 1983ની ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવને એન્જિયોપ્લાસ્ટી સારવાર બાદ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. કપિલ દેવને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો તેથી એમને અહીંની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

61-વર્ષના કપિલે ગયા ગુરુવારે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી અને એમને ફોર્ટિસ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં એમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘કપિલ દેવની તબિયત હવે સારી છે. એમને આજે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એ ટૂંક સમયમાં જ એમની રોજિંદી દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકશે. કપિલ દેવ ડો. અતુલ માથુર સાથે નિયમિત ફોલો-અપ મસલત કરતા રહેશે. જેમણે કપિલ પાજીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી.’

એન્જિયોપ્લાસ્ટી હૃદયની બ્લોક થઈ ગયેલી ધમનીઓને ખોલવાની અને હૃદયને રક્તનો સામાન્ય પ્રવાહ ફરી ચાલુ કરવાની પ્રક્રિયા છે.

કપિલ દેવે તેમના સુકાનીપદ હેઠળ 1983માં ભારતને પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડ કપ અપાવ્યો હતો. 1983ની પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચમાં કપિલ દેવની આગેવાની હેઠળ ભારતે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચાટતું કર્યું હતું. ભારત અને એશિયાની કોઈ ટીમનું એ પહેલું જ વર્લ્ડ કપ વિજેતાપદ હતું.

કપિલ દેવે એમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ટેસ્ટ ક્રિકેટમાં 5000થી વધુ રન કર્યા હતા અને 434 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં કપિલ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે.