જોન્ટી રોડ્સને બનવું છે ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ; અરજી નોંધાવી દીધી છે

મુંબઈ – દક્ષિણ આફ્રિકાના દંતકથાસમા ભૂતપૂર્વ ફિલ્ડર અને બેટ્સમેન જોન્ટી રોડ્સને ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ બનવાની ઈચ્છા છે. એમણે આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં અરજી નોંધાવી દીધી છે.

રોડ્સે કહ્યું છે કે, મને અને મારી પત્નીને ભારત દેશ પ્રત્યે ખૂબ લાગણી છે. આ દેશે અમને ખૂબ પ્રેમ આપ્યો છે.

ફિલ્ડિંગ કોચના પદ માટે રોડ્સ સૌથી હાઈ પ્રોફાઈલ ઉમેદવાર બન્યા છે.

રોડ્સે ક્રિકેટનેક્સ્ટ વેબસાઈટને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે, હા, મેં ભારતના નવા ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે. મને અને મારી પત્ની મેલાનીને ભારત ખૂબ ગમે છે અને આ દેશે અમને ઘણો પ્રેમ આપ્યો છે. અમારાં બે સંતાનોએ ભારતમાં જન્મ લીધો છે.

રોડ્સને ત્રણ સંતાન છે. બે પુત્રી અને એક પુત્ર. એક પુત્રીનું નામ એમણે ઈન્ડિયા જીની રાખ્યું છે. અન્ય સંતાનો છે ડેનિયેલા અને રોસ.

રોડ્સ 2000ની સાલમાં ટેસ્ટ ક્રિકેટમાંથી અને 2003માં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા.

રોડ્સ એમના સમયમાં વિશ્વના બેસ્ટ ફિલ્ડર ગણાતા હતા. 1992ની વર્લ્ડ કપ સ્પર્ધામાં પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હકને એમણે કરેલા ‘ફ્લાઈંગ રનઆઉટ’ને કારણે એમને લોકો સૌથી વધારે યાદ કરે છે.

49 વર્ષીય રોડ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ રહ્યા હતા. બાદમાં એ ટીમથી તેઓ અલગ થયા.

ભારતીય ટીમના હાલના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર છે. એમના કોન્ટ્રાક્ટને 45 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે જે ભારતીય ટીમના આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસના અંત સાથે પૂરો થશે.

રોડ્સ અવારનવાર ભારતની મુલાકાતે આવતા હોય છે. એમણે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં એક ફિલ્ડિંગ વર્કશોપ પણ શરૂ કરી છે. એમાં મુંબઈ રણજી ટ્રોફી ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર વિનાયક સાવંત એમને મદદ કરે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય ટીમના હેડ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચના પદ માટે અરજીઓ મગાવી છે. અરજી નોંધાવવા માટે 30 જુલાઈની તારીખ છેલ્લી છે.

શ્રીધર અને હેડ કોચ રવિ શાસ્ત્રી જેવા હાલના કોચોએ ફરીથી અરજી નોંધાવવાની નહીં રહે, એમની ઉમેદવારી પર આપોઆપ વિચારણા થશે.