નવી દિલ્હીઃ કુસ્તીની રમતનું રાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખ તરીકે સંજય સિંહની કરાયેલી નિમણૂક સામે અમુક ટોચનાં કુસ્તીબાજોએ નારાજગી વ્યક્ત કરી છે. એમની ફરિયાદ છે કે સંજય સિંહ વિવાદાસ્પદ ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના જ વફાદાર છે. ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આજે X (ટ્વિટર) પર જાહેરાત કરી છે કે સંજય સિંહની નિમણૂકના વિરોધમાં પોતે એનો ‘પદ્મશ્રી’ ખિતાબ સરકારને પરત કરી દેશે. સંજય સિંહની નિમણૂકના વિરોધમાં મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
બજરંગે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અને પોતે પદ્મશ્રી એવોર્ડ પરત કરવા માગે છે એવું દર્શાવતો પોતાનો વિરોધ પત્ર એમને સુપરત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિલ્હી પોલીસના જવાનોએ એને કર્તવ્ય પથ ખાતે એમ કહીને અટકાવી દીધો હતો કે વડા પ્રધાનને મળવા માટે એણે અગાઉથી અપોઈન્ટમેન્ટ મેળવી નથી.
અમે બજરંગને સમજાવીશું: સ્પોર્ટ્સ મંત્રાલય
કેન્દ્રના સ્પોર્ટ્સ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘’પદ્મશ્રી’ એવોર્ડ પાછો આપવાનો બજરંગનો નિર્ણય એનો અંગત છે. તે છતાં અમે એને તેને ફેરવિચારણા કરવા સમજાવીશું. કુસ્તી ફેડરેશનની ચૂંટણી યોગ્ય અને લોકતાંત્રિક નિયમો અનુસાર યોજવામાં આવી હતી.’