રાયપુરઃ વિશ્વવ્યાપી રોગચાળા કોરોનાવાઈરસનો ઉપદ્રવ-ફેલાવો ફરી તીવ્ર બન્યો છે અને દેશમાં આ રોગના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ચાર ક્રિકેટર પણ એનો શિકાર બન્યા છે. આ યાદીમાં નવો ઉમેરો થયો છે ભૂતપૂર્વ રાષ્ટ્રીય ટીમ બોલિંગ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનો. દેશમાં હાલમાં જ રાયપુરમાં રમાઈ ગયેલી વર્લ્ડ રોડ સેફ્ટી ક્રિકેટ સિરીઝમાં રમનાર ચાર ભારતીય ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
સૌથી પહેલાં સચીન તેંડુલકર કોરોનાગ્રસ્ત હોવાનું ગયા શનિવારે સવારે માલૂમ પડ્યું હતું. ત્યારબાદ સાંજે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુસૂફ પઠાણે પોતાને કોરોના થયો હોવાની જાણ કરી હતી અને ગઈ કાલે ભૂતપૂર્વ બેટ્સમેન એસ. બદ્રીનાથ અને ઈરફાન પઠાણે પણ પોતાને કોરોના થયો હોવાની સોશિયલ મિડિયા મારફત જાણ કરી હતી. પઠાણ બંધુઓ વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝમાં ઈન્ડિયા લીજેન્ડ ટીમ વતી રમ્યા હતા. યુસૂફનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ઈરફાન પણ પોતાના રિપોર્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો અને ગઈ કાલે સાંજે તે આવી ગયો હતો જેમાં તે પણ કોરોના-પોઝિટીવ હોવાનું જણાવાયું હતું. ઈરફાને પોતાને ઘરમાં જ સેલ્ફ-આઈસોલેટ કર્યો હોવાની જાણકારી આપી છે. વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝમાં ભારત અને શ્રીલંકાની લીજેન્ડ ટીમો ફાઈનલમાં પહોંચી હતી. ભારત ફાઈનલ મેચ જીતીને ટ્રોફી કબજે કરી હતી. ભારતીય ટીમનું સુકાનીપદ તેંડુલકરે સંભાળ્યું હતું. ટીમમાં વિરેન્દર સેહવાગ અને યુવરાજસિંહ જેવા અન્ય ભૂતપૂર્વ ખેલાડીઓ પણ સામેલ હતા. સ્પર્ધામાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ટીમોએ પણ ભાગ લીધો હતો.
— Irfan Pathan (@IrfanPathan) March 29, 2021