ઈંગ્લેન્ડને ત્રીજી ODIમાં 7-રનથી ભારતે સિરીઝ 2-1થી જીતી

પુણેઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમનો વિરાટ કોહલી અને તેના સાથીઓએ સંપૂર્ણપણે સફાયો કરી દીધો છે. અમદાવાદમાં ટેસ્ટ અને ટ્વેન્ટી-20 શ્રેણીમાં હરાવ્યા બાદ હવે પુણેમાં ભારતે પ્રવાસી ટીમને વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી પણ જીતવા ન દીધી. અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન પર આજે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7-રનથી પરાજય આપીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમ 48.2 ઓવરમાં 329 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 8મા નંબરના બેટ્સમેન અને બોલિંગ ઓલરાઉન્ડર સેમ કરનના અત્યંત લડાયક અણનમ 95 રન છતાં 50 ઓવરમાં 9 વિકેટે 322 રન કરી શકી હતી. ઈંગ્લેન્ડને મેચની આખરી ઓવરમાં જીત માટે 14 રન કરવાની જરૂર હતી, પણ કરન માત્ર પાંચ રન જ કરી શક્યો હતો. તેની સાથે 9મી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરનાર માર્ક વૂડ (14) રન આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડની ટીમના આજના પરાજયમાં પણ ભારતના બે ફાસ્ટ બોલર – શાર્દુલ ઠાકુર અને ભૂવનેશ્વર કુમારનો મોટો ફાળો રહ્યો. ઠાકુરે તેની 10 ઓવરમાં 67 રન ખર્ચીને 4 વિકેટ લીધી હતી. ભૂવનેશ્વર કુમારે પોતાના હિસ્સાની 10 ઓવરમાં 42 રનમાં 3 વિકેટ ખેરવી હતી, જેમાં બંને ઓપનર જેસન રોય (14) અને જોની બેરસ્ટો (1)નો સમાવેશ થાય છે. મોઈન અલી (29) કુમારનો ત્રીજો શિકાર હતો. હાર્દિક પંડ્યાએ ફેંકેલી 49મી ઓવરમાં ફિલ્ડરોએ બે કેચ પડતા મૂક્યા હતા. એક ઠાકુરે (વૂડનો) અને બીજો નટરાજને (કરનનો). છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને મેચ અને સિરીઝ જીતવા માટે 14 રન કરવાની જરૂર હતી જ્યારે ભારતે બે વિકેટ પાડવાની જરૂર હતી. ભારત તરફથી આખરી ઓવર ટી. નટરાજને ફેંકી હતી. પહેલા જ બોલે માર્ક વૂડ (14) રનઆઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ કરેલા થ્રોને ઝડપીને કીપર પંતે બેલ્સ ઉડાવી દીધી હતી.

ઈંગ્લેન્ડે 100 રનમાં ચાર વિકેટ ખોઈ દીધી હતી, પણ 8મા ક્રમે આવેલા બોલિંગ ઓલરાઉન્ડર સેમ કરને ભારતના બોલરોનો પ્રતિકાર કરીને આક્રમક બેટિંગ કરી હતી. વન-ડે ક્રિકેટમાં તેના અણનમ 95 રન 8મા ક્રમના બેટ્સમેનનો હાઈએસ્ટ સ્કોર બન્યો છે. તેની લડતને કારણે મેચ અને સિરીઝનો અંત રસપ્રદ બની ગયો હતો. ઈંગ્લેન્ડની ટીમની અન્ય હાફ સેન્ચૂરી કરી હતી ડેવિડ માલને (50). બેન સ્ટોક્સ (35)ને નટરાજને આઉટ કર્યો હતો. કેપ્ટન જોસ બટલર (15)ને આઉટ કરવામાં ઠાકુર સફળ રહ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન (36)ને ઠાકુરે પોતાની જ બોલિંગમાં કેચઆઉટ કર્યો હતો.

તે પહેલાં, ભારતના દાવમાં ત્રણ હાફ સેન્ચુરી જોવા મળી હતી. શિખર ધવને 56 બોલમાં 67 રન કર્યા હતા તો વિકેટકીપર રિષભ પંતે 62 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 78 રન ઝૂડી કાઢ્યા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ પણ તેની ફટકાબાજીનો પરચો અંગ્રેજ બોલરોને બતાવ્યો હતો અને 44 બોલમાં ચાર છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 64 રન કર્યા હતા. એને શાર્દુલ ઠાકુર (21 બોલમાં 3 સિક્સર સાથે 30 રન)નો ટેકો મળ્યો હતો. રોહિત શર્મા 37, કેપ્ટન કોહલી 7, કે.એલ. રાહુલ 7, કૃણાલ પંડ્યા 25 રન કરીને આઉટ થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]