આઈપીએલ-11ના ઉદઘાટન સમારોહમાં 6 ટીમના કેપ્ટન હાજર નહીં રહે

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નક્કી કર્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી આવૃત્તિ, જેનો પ્રારંભ આવતી 7 એપ્રિલથી થવાનો છે એ માટેના ઉદઘાટન સમારોહમાં માત્ર બે જ ટીમના કેપ્ટન હાજર રહેશે.

અત્રેના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનાર ઉદઘાટનમાં માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ, એમ બે જ ટીમના કેપ્ટન હાજર રહેશે. બાકીની 6 ટીમના કેપ્ટનો હાજર નહીં રહે.

તમામ ટીમના કેપ્ટનો 6 એપ્રિલે સાંજે મુંબઈમાં એક સ્પેશિયલ વીડિયો માટેના શૂટિંગમાં ભાગ લેશે અને ત્યારબાદ 6 ટીમના કેપ્ટનો પોતપોતાના શહેરોમાં જતા રહેશે.

અધિકારીઓના એક છબરડાને કારણે ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે.

ગયા વર્ષ સુધી ક્રિકેટ બોર્ડે એવી પરંપરા રાખી હતી કે આઈપીએલની પ્રારંભિક મેચના પૂર્વેના દિવસે ઉદઘાટન સમારોહ યોજવામાં આવે અને એમાં હાજર રહેનાર તમામ 8 ટીમના કેપ્ટનો ત્યારબાદ સ્પિરીટ ઓફ ક્રિકેટની પ્રતિજ્ઞા લે.

પરંતુ આ વખતે એક છબરડો થઈ ગયો છે. આઈપીએલના સિનિયર અધિકારીઓએ એવી ચાર ટીમ વિશે પૂરતું હોમવર્ક કર્યું નહોતું, જેમની મેચો ઉદઘાટન સમારોહ બાદના દિવસે યોજાવાની છે.

જેમ કે, 8 એપ્રિલે દિલ્હી ડેરડેવિલ્સનો સામનો મોહાલીમાં સાંજે 4 વાગ્યે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે છે જ્યારે રાજસ્થાન રોયલ્સનો સામનો રાતે 8 વાગ્યે કોલકાતામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સામે છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, ઉદઘાટન સમારોહ માટે ગૌતમ ગંભીર (દિલ્હી ડેરડેવિલ્સ) અને રવિચંદ્રન અશ્વિન (કિંગ્સ ઈલેવન પંજાબ)ને એમની મેચના આગલા દિવસે મુંબઈ બોલાવવા એ તદ્દન મૂર્ખતાભરી બાબત કહેવાય. ધારો કે ગંભીર અને અશ્વિન મુંબઈ આવે તો તેઓ મુંબઈથી દિલ્હીની ફ્લાઈટ છેક 7 એપ્રિલે રાતે 9 વાગ્યે જ પકડી શકે. મુંબઈથી ચંડીગઢ માટે મોડી સાંજની કોઈ ફ્લાઈટ નથી. વધુમાં, દિલ્હીથી રવિવારે સવારે પણ તેઓ ચંડીગઢની ફ્લાઈટ પકડી ન શકે, કારણ કે એરપોર્ટ એ સમયે બંધ રહે છે. તેથી કાં તો એમને રાતના સમયે કાર દ્વારા ટ્રાવેલ કરવું પડે, જે જોખમી કહેવાય અથવા સવારે નીકળે અને બપોરે 4 વાગ્યે મેચમાં રમે. એના કરતાં તો એ લોકો ઉદઘાટન સમારોહમાં હાજર જ ન રહે એ વધારે સારું કહેવાય. વીડિયો શૂટિંગમાં હાજરી આપી એ જ સાંજે મુંબઈથી ફ્લાઈટ પકડીને દિલ્હી પહોંચી જાય.

વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ ઓફ બેંગલોર) અને દિનેશ કાર્તિક (કોલકાતા નાઈટ રાઈડર્સ)ને પણ એમની મેચના આગલા દિવસે નાહકનો પ્રવાસ કરવો પડે. એમની મેચ 8 એપ્રિલે રાતે છે.