ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ-વાર્તાલાપ કર્યો હતો. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારો સહિતના ૧૮ લાખ જેટલા નાગરિક ભાઇબહેનો, શાળાકોલેજના બાળકો-વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતોસંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ર૧મી માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષના આ દિવસની થીમ ‘ફોરેસ્ટસ એન્ડ સસ્ટેઇનેબલ સિટીઝ’ રાખવામાં આવી છે. આધુનિક યુગમાં નગરો-મહાનગરોના વિકાસ સાથે ઇકોફ્રેન્ડલી-સસ્ટેઇનેબલ સિટીના નિર્માણ માટેની જનભાગીદારી પ્રેરિત કરવાના રાજ્ય સરકારના આયામોની વિશદ ભૂમિકા આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાતમાં જનભાગીદારીથી વન આવરણ વિસ્તાર વૃદ્ધિ, વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં થયેલ વધારો તેમજ વન ક્ષેત્રે ગુજરાતની સ્થિતિની પણ છણાવટ કરી હતી. મુખ્યપ્રધાનના હસ્તે વન વિસ્તાર બહારના વૃક્ષોની ગણતરીનો ચોથો અહેવાલ તેમ જ ગીર ફાઉન્ડેશનના પ્રકાશન કોસ્ટલ ફલોરા ઓફ ગલ્ફ ઓફ કચ્છ ગાઇડનું વિમોચન કરવામાં આવ્યું હતું.