મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી આવૃત્તિ – આઈપીએલ-2022 માટે સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર બનેલી બુકમાઈશો કંપનીએ જાહેર કર્યું છે કે આ વખતની સ્પર્ધા દરમિયાન મુંબઈ અને પુણે શહેરોમાંના સ્ટેડિયમોમાં દર્શકોની સંખ્યામાં 50 ટકા સુધી વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે બીજી એપ્રિલથી અમલમાં આવે એ રીતે સમગ્ર રાજ્યમાં કોરોનાવાઈરસને લગતા નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. હાલ આઈપીએલ-2022 ચાર સ્ટેડિયમમાં રમાઈ રહી છે – મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં, નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં. આ ચારેય સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 25 ટકા દર્શકોને પ્રવેશ આપવાનો નિયમ હતો. બીસીસીઆઈએ હવે સ્ટેડિયમોમાં દર્શકોની સંખ્યા 50 ટકા સુધી વધારવા દેવાની જાહેરાત કરી છે. આને કારણે આઈપીએલ મેચો સ્ટેડિયમોમાં જઈને જોનારાઓની સંખ્યા વધી શકે છે.