દુબઈઃ આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડાયરેક્ટર (ક્રિકેટ ઓપરેશન્સ) ઝહીર ખાને ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એક સ્પષ્ટતા કરી છે.
એમણે કહ્યું છે કે હાર્દિક પંડ્યા ગયા વર્ષના સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે T20I સિરીઝમાં રમ્યા બાદ અહીં પહેલી મોટી ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ બાદ એને પીઠની સર્જરી કરાવવી પડી હતી અને એને કારણે એને લાંબો સમય સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો હતો.
હાર્દિક પંડ્યાએ વર્તમાન મોસમમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની અત્યાર સુધીમાં રમાઈ ગયેલી એકેય મેચમાં બોલિંગ કરી નથી. તેથી એની ફિટનેસ વિશે સવાલો ઊભા થયા છે.
ઝહીર ખાનનું કહેવું છે કે હાર્દિક બોલિંગ કરવા ઉત્સૂક છે. તમે ટૂંક સમયમાં જ એને બોલિંગ કરતો જોઈ શકશો એવી અમે આશા રાખીએ છીએ.
ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ટીમ આ વખતે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને એમાં એકમાં જીતી છે અને એકમાં હારી છે. પોઈન્ટ્સ ટેબલમાં તે હાલ ચોથા ક્રમે છે.
ઝહીર ખાને કહ્યું છે કે હાર્દિક પંડ્યા જ્યારે બોલિંગ કરે છે ત્યારે કોઈ પણ હરીફ ટીમનું સંતુલન બગાડી નાખવાની એનામાં ક્ષમતા હોય છે. પરંતુ, આપણે એના શરીર વિશે પણ વિચારવું પડે. અમારે એ જોવું પડે કે ફિઝિયોથેરપિસ્ટ હાર્દિક વિશે અમને શું સલાહ આપે છે.
26 વર્ષના હાર્દિક પટેલે ગયા વર્ષના નવેમ્બરમાં લંડનમાં જઈને એની પીઠની સર્જરી કરાવી હતી. ત્યારબાદ એ ગયા માર્ચમાં ક્રિકેટમાં પાછો ફર્યો હતો.
હાર્દિકે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની બંને મેચમાં બેટિંગ કરી હતી. એકમાં એણે 18 અને બીજીમાં 14 રન કર્યા હતા.