ગાવસકરની કમેન્ટથી અનુષ્કા નારાજ થઈ; ઘણું સંભળાવ્યું

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન સુનીલ ગાવસકર એક નવા વિવાદમાં સપડાયા છે. ગઈ કાલે એમણે ભારતીય ટીમના કેપ્ટન અને આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની પત્ની અનુષ્કા વિશે એક વિચિત્ર કમેન્ટ કરી હતી. એમની તે કમેન્ટને કારણે અનુષ્કા નારાજ થઈ છે અને સાથોસાથ, વિરાટના પ્રશંસકો પણ ભડકી ગયા છે.

વિરાટ અને અનુષ્કા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ગાવસકર વિશે સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે, એક મહાન ક્રિકેટરની આ શરમજનક હરકત કહેવાય.

ગઈ કાલે દુબઈમાં, આઈપીએલ-13ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કિંગ્સ ઈલેવન પંજાબ સામે શરમજનક પરાજય થયો હતો.

કોહલી માટે તે મેચ બે-ત્રણ બાબતમાં નિરાશાજનક રહી હતી. પહેલાં, પંજાબી ટીમના દાવ વખતે એણે બે કેચ પડતા મૂક્યા હતા અને બાદમાં, બેટિંગમાં એ માત્ર પાંચ બોલનો સામનો કરીને માત્ર એક જ રન કરી શક્યો હતો. પંજાબ ટીમના 206-3 (20)ના સ્કોરના જવાબમાં બેંગલોરની ટીમ માત્ર 17 ઓવરમાં 109 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોમેન્ટરી બોક્સમાં બેઠેલા ગાવસકરે ત્યારે એક કમેન્ટ કરી હતી અને એમાં તેમણે અનુષ્કાનું નામ લીધું હતું. એમણે એવી કમેન્ટ કરી હતી કે, ‘કોહલીએ લોકડાઉનમાં તો માત્ર અનુષ્કાની જ બોલિંગથી પ્રેક્ટિસ કરી હતી. એનાથી કંઈ વળે નહીં.’

ગાવસકર ઈશારો એક વિડિયો ક્લિપ પ્રત્યે હતો, જેમાં વિરાટ અને અનુષ્કાને મુંબઈમાં લોકડાઉન કાળ દરમિયાન એમનાં ઘરમાં ક્રિકેટ રમતાં જોઈ શકાય છે.

ગાવસકરની આ કમેન્ટથી અનુષ્કાને માઠું લાગ્યું છે અને એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શબ્દોમાં પોતાનાં પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે.

અનુષ્કાએ ગાવસકરને જવાબ આપતાં લખ્યું છે, મિસ્ટર સુનીલ ગાવસકર, તમારો સંદેશ વિચલિત કરનારો છે. હું આપને એ પૂછવા માગું છું કે તમે પત્નીને એનાં પતિની રમત માટે એની પર આરોપ લગાડવાનું કેમ વિચાર્યું?
‘મને ખાતરી છે કે છેલ્લા અમુક વર્ષોમાં તમે રમત વિશે ટિપ્પણી કરતી વખતે ક્રિકેટરના અંગત જીવનનો આદર કર્યો છે. શું તમને નથી લાગતું કે એ જ આદર અમારે માટે પણ હોવો જોઈએ? ગઈ કાલે રાતની મેચમાં મારાં પતિના દેખાવ વિશે ટિપ્પણી કરવા માટે તમારા મગજમાં અનેક બીજા વાક્યો અને શબ્દો પણ હોઈ શકતા હતા.’

અનુષ્કાએ વધુમાં લખ્યું છે કે, ‘આ 2020નું જ વર્ષ છે અને હજી પણ મારા માટે કંઈ બદલાયું નથી. મને ક્રિકેટમાં ઢસડવાનું ક્યારે બંધ થશે? આદરણીય ગાવસકરજી, તમે ક્રિકેટમાં દંતકથા સમાન છો, જેમનું નામ આ રમત સાથે લાંબા સમયથી સંકળાયેલું છે. હું આપને એટલું જ જણાવવા માગું છું કે તમારા આ નિવેદન પછી મને કેવી મહેસૂસ થયું.’

સોશિયલ મિડિયા પર મિશ્ર પ્રત્યાઘાત આવ્યા છે. અમુક લોકોએ ગાવસકરની વિરુદ્ધમાં મંતવ્ય દર્શાવ્યા છે તો અમુકે એમની તરફેણમાં.