આઈસીસીના નિર્ણયને પડકારવા બીસીસીઆઈ પાસે 14-દિવસનો સમય

મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ રમાતી ચાર-મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ ગઈ. એમાં ભારતીય ટીમનો શરમજનક પરાજય થયો હતો. તે મેચ ત્રણ દિવસની અંદર જ પૂરી થઈ ગઈ હતી. મેદાનની પીચને ખરાબ ગણાવીને ક્રિકેટ સંચાલક સંસ્થા આઈસીસીની એલિટ પેનલના મેચ અધિકારી ક્રિસ બ્રોડે ઈન્દોરની પીચને 3 ડિમેરિટ પોઈન્ટ આપ્યા છે. હોલકર સ્ટેડિયમની પીચ ખરાબ હતી અને તે ટેસ્ટ મેચ રમાડવા માટે લાયક નહોતી, એવું આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું છે.

આઈસીસીના આ નિર્ણયને પગલે આ સ્ટેડિયમ પર 12-મહિનાનો પ્રતિબંધ આવી શકે છે. પરંતુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સર્વોચ્ચ સંસ્થાના આ નિર્ણયને પડકારવા ઈચ્છે છે અને અપીલમાં જવા માટે તેની પાસે 14 દિવસનો સમય છે. આઈસીસીના નિયમાનુસાર, ધારો કે કોઈ સ્ટેડિયમને પાંચ ડિમેરિટ ગુણ આપવામાં આવે તો તે મેદાન પર પ્રતિબંધ મૂકવાનો આઈસીસીને અધિકાર છે. તેમજ એ મેદાન પર 12 મહિના એકેય મેચ યોજી શકાતી નથી. બોર્ડર-ગાવસકર ટ્રોફી શ્રેણીમાં આ પહેલાં નાગપુર અને દિલ્હીની પીચને પણ આઈસીસી અધિકારીએ ખરાબ ગુણવત્તાવાળી ગણાવી હતી.

ભારત પહેલી બે ટેસ્ટ મેચ જીત્યું હતું. ઈન્દોરમાં જીત મેળવીને ઓસ્ટ્રેલિયાએ ભારતની અપરાજિત સરસાઈને 1-2 સુધી સીમિત રાખી છે. ચોથી અને શ્રેણીની આખરી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાવાની છે.