ભારતીય ટીમ વિશ્વ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં નંબર વન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ગઈ કાલની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ રચ્યો હતો. કે. એલ રાહુલના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગઈ કાલે મોહાલીમાં ભારતીય ટીમને 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત મળી હતી. આ પહેલાં નવંબર, 1996માં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ટીમ ઇન્ડિયા ICC ODI ટીમ રેન્કિંગમાં નંબર-1 પર આવી ગઈ છે. ટીમે પાકિસ્તાનને પાછળ છોડીને વન-ડેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વન-ડેમાં નંબર-1 બનવાની સાથે જ ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ. ટીમ ટેસ્ટ અને T20માં પહેલેથી જ નંબર-1 પર છે. વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં ટીમ ઇન્ડિયા આવો કમાલ કરનાર બીજી ટીમ બની છે.

ટીમ ઈન્ડિયા આવું પરાક્રમ કરનાર એશિયામાં પહેલી ટીમ બની ગઈ છે. ઓવરઓલ ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનનાર માત્ર બીજી ટીમ બની છે. ભારત પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓગસ્ટ 2012માં ગ્રીમ સ્મિથની આગેવાનીમાં ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની હતી.

ભારત સામેની શ્રેણીની છેલ્લી 2 વન-ડે મેચ જીત્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ હવે નંબર-1 પર આવી શકશે નહીં. પરંતુ જો તે બંને વન-ડે જીતી જાય તો ભારત નંબર-2 અને પાકિસ્તાનની ટીમ નંબર-1 પર પહોંચી જશે.

હવે જો ભારત ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે વન-ડે જીતવામાં સફળ થશે તો ટીમ નંબર વન પર પોતાનું સ્થાન મજબૂત કરશે. જો ભારત વન-ડે શ્રેણી 3-0થી જીતે છે તો તેના 118 પોઇન્ટ્સ થઈ જશે જ્યારે પાકિસ્તાન 115 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા 109 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર રહેશે.

ટીમ ઇન્ડિયા પહેલેથી જ વન-ડેની સાથે ટેસ્ટ અને T20 બંને ફોર્મેટમાં નંબર-1 પર છે. T20માં ટીમના 264 પોઇન્ટ છે, આ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ 261 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. ટીમ ઇન્ડિયા 118 પોઇન્ટ સાથે ટેસ્ટમાં પહેલા સ્થાન પર છે. આ ફોર્મેટની ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમના પણ 118 પોઇન્ટ છે.