એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ, હરમનપ્રીત-લવલીનાએ ભારતનું નેતૃત્વ કર્યું

ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સની રંગારંગ શરૂઆત થઈ. આ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને બોક્સર લોવલિના બોર્ગોહેને ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર હતા. આ રીતે એશિયન ગેમ્સ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. એશિયન ગેમ્સ 2023માં ભારતના 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતના 655 ખેલાડીઓ 40 વિવિધ ઈવેન્ટમાં ચેલેન્જ આપશે.

12 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે

આ પહેલા જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતના 572 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે જ સમયે, આ એશિયન ગેમ્સમાં 45 દેશોના 12 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ વખતે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, અગાઉ એશિયન ગેમ્સ 2014માં પણ ક્રિકેટ એશિયન ગેમ્સનો ભાગ હતો, પરંતુ BCCIએ પોતાની ટીમ મોકલી ન હતી. જોકે, આ વખતે બીસીસીઆઈએ તેની પુરૂષ અને મહિલા બંને ટીમ મોકલી છે.

શું ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ જીતી શકશે?

બાંગ્લાદેશની પુરૂષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2010માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાને મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી શ્રીલંકાએ એશિયન ગેમ્સ 2014માં પુરુષ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાને ફરી એકવાર મહિલા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ક્રિકેટ ઉપરાંત કુસ્તી, બેડમિન્ટન અને બોક્સિંગ જેવી ઈવેન્ટ્સમાં પણ ભારતીય ચાહકો ગોલ્ડની આશા રાખશે.