હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં ભારતના ત્રણ શૂટરે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ ત્રણ વિજેતાઓ છે – સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલ.
ભારતીય ટીમે ચીનના હરીફોને પાતળા માર્જિન (માત્ર એક જ પોઈન્ટ)થી હરાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શૂટિંગની રમતમાં ભારતે આ ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. તે ઉપરાંત ચાર રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક પણ જીત્યા છે. ભારતીય ટીમે 1,734 પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે ચીની હરીફ ટીમને 1,733 પોઈન્ટ મળ્યા હતા. ત્રીજા સ્થાને વિયેટનામની ટીમ આવી હતી – 1,730 પોઈન્ટ સાથે.
રોશિબિના દેવીએ વુશુ રમતમાં રજત ચંદ્રક જીત્યો
મણીપુર રાજ્યની 22 વર્ષીય રોશિબિના દેવી નાઓરેમે મહિલાઓની માર્શલ આર્ટ વુશુ રમતમાં, 60 કિ.ગ્રા. વર્ગ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. તે ફાઈનલમાં ચીનની હરીફ સામે લડત આપીને હારી હતી.
રોશિબિના મૈતેઈ સમાજની છે. તે મણીપુરના બિષ્ણુપુર જિલ્લાના ક્વાશીફાઈ ગામની રહેવાસી છે. આ વિસ્તારમાં કુકી સમાજનાં લોકોનું વર્ચસ્વ છે. છેલ્લા અમુક મહિનાઓથી અહીં મૈતેઈ અને કુકી લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાયું છે અને વંશીય હિંસા થઈ છે જેમાં અનેક લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. રોશિબિનાએ પોતાનો આજનો મેડલ પોતાનાં મણીપુર રાજ્યને અર્પણ કર્યો છે.