ઈન્ઝમામના મતે કોહલીની ટીમ T20-વર્લ્ડકપ જીતવા ફેવરિટ

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકના મતે ભારત યૂએઈ અને ઓમાનમાં હાલ રમાઈ રહેલી આઈસીસી T20 વર્લ્ડ કપ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ છે. ઈન્ઝમામે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે વર્લ્ડ કપ વિજેતા ટ્રોફી જીતવાની વિરાટ કોહલી અને તેની ટીમને વધારે સારી તક છે, કારણ કે અખાતના દેશોમાંનું હવામાન ભારતીય ઉપખંડ જેવું જ હોય છે. આમ, હવામાનની ફાવટને કારણે ભારતીય ટીમ સ્પર્ધામાં સૌથી ખતરનાક ટીમ છે.

ઈન્ઝમામે વધુમાં કહ્યું કે આમ તો કોઈ પણ સ્પર્ધામાં તમે ચોક્કસ કઈ ટીમ વિજેતા બનશે એની આગાહી કરી ન શકો. ટીમને જીતવાનો કેટલો ચાન્સ છે એટલું જ કહી શકાય. તેથી મારા મતે આ વખતની વર્લ્ડ કપ જીતવાની બીજી કોઈ પણ ટીમ કરતાં ભારતને વધારે તક છે. એની પાસે T20 ફોર્મેટના અનુભવી ખેલાડીઓ છે.

સ્પર્ધામાં ભારતની પહેલી મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે છે. ગ્રુપ-2માં ભારત સાથે પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ તથા બે ક્વાલિફાયર ટીમ છે.