કાનપુરઃ અહીંના ગ્રીન પાર્ક મેદાન પર ન્યૂઝીલેન્ડ ટીમ પહેલી ટેસ્ટ મેચ ગઈ કાલે ડ્રોમાં લઈ જવામાં સફળ થઈ. ભારતીય ટીમ એક નિશ્ચિત વિજયથી વંચિત રહી ગઈ. ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલની આખરી જોડી 52 બોલ રમી ગઈ અને મેચ ડ્રો તરીકે સ્વીકારી લેવાઈ. ભારતને નુકસાન ગયું, પણ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે મેદાનની પિચ બનાવનાર ગ્રાઉન્ડ્સમેન શિવ કુમારને અંગત રીતે રૂ. 35,000 ઈનામ સ્વરૂપે આપ્યા છે. મેદાનની પિચ બેટ્સમેનો અને બોલરો, બંનેને માફક આવે એવી સ્પોર્ટિંગ રીતે તૈયાર કરાઈ હતી એવું કારણ આપીને અને એનાથી ખુશ થઈને દ્રવિડે શિવ કુમારની આગેવાની હેઠળના ગ્રાઉન્ડસ્ટાફને આ ઈનામ આપ્યું હતું.
ભારતમાં જન્મેલા એજાઝ પટેલ અને કન્નડ માતા-પિતાના વેલિંગ્ટનમાં જન્મેલા રચિન રવિન્દ્રએ ગઈ કાલે મેચના પાંચમા અને આખરી દિવસે ભારતના બોલરો સામે અભૂતપૂર્વ કહેવાય એવી લડત આપી હતી અને મેચને રોમાંચક ડ્રોમાં લઈ ગયા. ઉલ્લેખનીય છે કે, દ્રવિડ એમની કારકિર્દી દરમિયાન ઉચિત રમત રમવા માટે જાણીતા હતા. ગ્રીન પાર્ક મેદાનની પિચ પર બંને ટીમના બેટ્સમેનો તરફથી સંઘર્ષપૂર્ણ બેટિંગ પરફોર્મન્સ જોવા મળ્યો તો બોલરોએ પણ ભરપૂર સફળતા મેળવી હતી.