ટીમ ઇન્ડિયાના ‘લોર્ડ’ શાર્દૂલે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુરે લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલી તેની ગર્લ ફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે એક ખાનગી સમારંભમાં સગાઈ કરી લીધી છે. આ સગાઈના પ્રસંગમાં નજીકના લોકો સામેલ થયા હતા. મુંબઈ ઇન્ડિયન્સના અને T20i ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ મુંબઈ ક્રિકેટ એસોસિયેશને (MCA) આયોજિત કર્યો હતો. શાર્દૂલે આ સગાઈના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું હતું કે  ‘The Beginning forever’.

શાર્દૂલની પોસ્ટ પર KL રાહુલે તેને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સિવાય શિખર ધવન, સુરેશ રૈના, વિજય શંકર અને સેમ કરને અને અન્ય ક્રિકેટરોએ શાર્દૂલને આ શુભ પ્રસંગે શુભકામનાઓ આપી હતી.

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર દીપક ચહરની બહેન માલતીએ પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી અને તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શાર્દૂલ અને મિતાલીના કેટલાક ફોટો શેર કર્યા હતા. માલતીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પણ શેર કર્યો હતો.  સોશિયલ મિડિયા પર બંનેની સગાઈના ફોટો અને વિડિયો વાઇરલ થયા પછી ફેન્સે કપલને શુભકામનાઓ આપી હતી. એક યુઝરે લખ્યું હતું કે લોર્ડ શાર્દૂલ દેવીની સાથે. બંનને સગાઈની શુભકામનાઓ.

30 વર્ષીય શાર્દૂલ ઠાકુર હાલ ટીમ ઇન્ડિયાથી બહાર છે. તેણે અત્યાર સુધી ચાર ટેસ્ટ, 15 વનડે અને 24 T20 મેચો રમી છે અને ઠાકુરે 31 વિકેટો લીધી છે. આ સિવાય તેણે IPLમાં પણ 61 મેચો રમી છે.