મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા એના કથળેલા ફોર્મથી પરેશાન છે. આ અનુભવી બોલરનો દેખાવ છેલ્લા કેટલાક વખતથી નિરાશાજનક રહ્યો છે. કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ તે એકેય વિકેટ લઈ શક્યો નહોતો. 33 વર્ષનો ઈશાંત શર્મા 105 ટેસ્ટ મેચો રમી ચૂક્યો છે અને એમાં એણે 32.4ની સરેરાશ સાથે 311 વિકેટ લીધી છે. હાલની ટીમમાં 100 કે તેથી વધુ ટેસ્ટ મેચો રમનાર ઈશાંત એકમાત્ર ખેલાડી છે. તેના હાલના સંઘર્ષનું ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ પોતાની રીતે અવલોકન કર્યું છે.
મ્હામ્બ્રેનું કહેવું છે કે ઈશાંતને તેની બોલિંગ રીધમ પાછી મેળવવા માટે બે ટેસ્ટ રમવાની જરૂર છે. ટેસ્ટ મેચોમાં રમવાનો પૂરતો સમય ન મળતાં એ રીધમ ગુમાવી બેઠો છે. બે ટેસ્ટ મેચમાં રમવાથી તે રીધમ પાછી મેળવી શકે છે. ઈશાંત લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી અને એ આઈપીએલ કે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં પણ રમ્યો નહોતો એટલે એને કારણે ઘણો ફરક પડી ગયો છે.