ભારતે સાઉથ આફ્રિકાને પહેલી ODIમાં 8-વિકેટથી હરાવ્યું

જોહાનિસબર્ગ: અહીંના વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 8-વિકેટથી હરાવી દીધું છે. 3 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું છે. બીજી મેચ 19 ડિસેમ્બરે ગેબેહા (અગાઉનું પોર્ટ એલિઝાબેથ નામ) ખાતે રમાશે. ત્રીજી અને આખરી મેચ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.

સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન મારક્રમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, પણ ભારતના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના ઝંઝાવાત સામે ગૃહ ટીમના ટોચના બેટર્સ નિષ્ફળ ગયા હતા. ટીમ માત્ર 27.3 ઓવર રમી શકી હતી અને 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

તેના જવાબમાં, ભારતે માત્ર બે જ વિકેટ ગુમાવીને 16.4 ઓવરમાં 117 રન કરીને મેચ જીતી લીધી હતી. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર ડાબોડી ઓપનર સાઈ સુદર્શન 55 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શ્રેયસ ઐયરે 52 રન કર્યા હતા.

અર્શદીપ સિંહ પહેલો જ ભારતીય ફાસ્ટ બોલર

અર્શદીપ સિંહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે પોતાના હિસ્સાની 10 ઓવરમાં 37 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. સામે છેડેથી અન્ય ફાસ્ટ બોલર આવેશ ખાનનો એને સાથ મળ્યો હતો. આવેશે 8 ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ડાબોડી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે એક બેટરને આઉટ કર્યો હતો.

સાઉથ આફ્રિકા સામે એની જ ધરતી પર વન-ડે મેચમાં પાંચ-વિકેટ લેનાર અર્શદીપ સિંહ પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. અગાઉ લેગસ્પિનર યૂઝવેન્દ્ર ચહલે સાઉથ આફ્રિકાની ધરતી પરની વન-ડે મેચમાં પાંચ વિકેટ લીધી હતી. વન-ડે ક્રિકેટમાં સાઉથ આફ્રિકા સામે પાંચ-વિકેટની સિદ્ધિ હાંસલ કરનાર અર્શદીપ ચોથો ભારતીય બન્યો છે.