ભારતની 175 રનની લીડઃ જાડેજા 81, અક્ષર 35 રને નોટઆઉટ

હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધીમાં ટીમ ઇન્ડિયાએ મેચમાં બેટિંગ કરીને બોર્ડ પર સાત વિકેટે 421 રન બનાવ્યા છે, જેની સાથે ભારતે 175 રનની લીડ મેળવી લીધી છે. આ દરમિયાન રવીન્દ્ર જાડેજા 81 અને અક્ષર પટેલ 35 ક્રીઝ પર છે.

ટીમ ઇન્ડિયા વતી જાડેજાએ 155 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા છે. આ સિવાય તેનો સાથ આપી રહેલા અક્ષર પટેલે 62 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવી નોટ આઉટ રહ્યો છે. બંનેએ આઠમી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.

આ પહેલાં ભારત તરફથી ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે 123 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનિંગ કરવા આવેલ યશસ્વી જયસ્વાલ પણ બીજા દિવસે 74 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 80 રન બનાવીને આઉટ થયો હતો.

આ પહેલાં ભારતે બેટિંગ કરતાં બીજા દિવસની શરૂઆત 119/1 રનથી કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલના રૂપમાં ભારતને બીજા દિવસનો પહેલો ફટકો લાગ્યો હતો. ત્યાર પછી ભારતને બીજા દિવસનો બીજો અને ઈનિંગનો ત્રીજો ફટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો, જે 35મી ઓવરમાં 23 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી જેને રેહાન અહેમદે 53મી ઓવરમાં અય્યરની વિકેટ સાથે તોડી હતી.

ત્યાર બાદ રાહુલે રવીન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી, જે 65મી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ સાથે પૂરી થઈ હતી.