નવી મુંબઈઃ ભારતીય મહિલા ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડને 347 રનોથી હરાવીને મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભારતીય જીતના હીરો રહેલી દીપ્તિ શર્માએ મેચમાં નવ વિકેટ હાંસલ કરી હતી. ભારતે ઇંગ્લેન્ડને આ મેચમાં જીતવા માટે 478 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. એના જવાબમાં ઇંગલેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં 131 રનોમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
એકમાત્ર ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ભારતીય ટીમે નવ વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતી છે. આ સમયગાળા દરમિયાન ટીમ માત્ર બે મેચ રમી હતી અને બંને ડ્રો રહી હતી. ભારતીય મહિલા ટીમની આ 40મી ટેસ્ટ હતી. અત્યાર સુધી ટીમને છ જીત અને 6 હાર મળી છે. 27 મેચ ડ્રો રહી છે. ઈંગ્લેન્ડ સામે ભારતના રેકોર્ડબ્રેક વિજયમાં દીપ્તિ શર્મા સ્ટાર રહી હતી.. ભારતીય ટીમે બીજા દિવસના અંતે 6 વિકેટે 186 રન નોંધાવ્યા હતા. ત્રીજા દિવસે શનિવારે ભારતીય ટીમે દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડને જીતવા માટે 478 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારત તરફથી સ્પિનર દીપ્તિ શર્માએ 4 જ્યારે પેસ બોલિંગ ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે 3 વિકેટ લીધી હતી.
ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પ્રથમ દાવમાં તેણે ઈંગ્લેન્ડના 5 બેટર્સને આઉટ કર્યા હતા. આ સાથે દીપ્તિએ પ્રથમ દાવમાં અડધી સદી પણ ફટકારી હતી. તેણે 113 બોલમાં 10 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 67 રનની ઈનિંગ્સ રમી હતી. બીજી ઈનિંગ્સમાં તેણે 18 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 428 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેમાં શુભા સતીશ, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર 136 રનમાં સમેટાઈ ગયો હતો. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમવાની છે.