ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સ સામે હારથી ભારત વર્લ્ડ કપ હોકીમાંથી આઉટ

ભૂવનેશ્વર – વર્લ્ડ કપ હોકી સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચવા ભારત છેલ્લા 43 વર્ષથી રાહ જુએ છે અને એ રાહ જોવાનું હજી ચાલુ રહેશે, કારણ કે ગઈ કાલે ભારતીય ટીમ અહીંના કલિંગા સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ હોકીની ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સ સામે 1-2 સ્કોરથી હારી ગઈ હતી. નેધરલેન્ડ્સ ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે.

મેચ જોવા માટે હજારો દર્શકો આવ્યા હતા. સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું, પણ ભારતની હારને લીધે સૌને નિરાશ થઈને પાછા જવું પડ્યું.

નેધરલેન્ડ્સના થિએરી બ્રિન્કમેને 14મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે ટીમના મિન્ક વાન ડેર વીરડને 50મી મિનિટે ગોલ કર્યો હતો.

ભારતનો એકમાત્ર ગોલ આકાશદીપ સિંહે 12મી મિનિટે કર્યો હતો.

બંને ટીમે પહેલા જ ક્વાર્ટરમાં ધમાકેદાર રમત દ્વારા આરંભ કર્યો હતો. આકાશદીપ સિંહે રીવર્સ ફ્લિક દ્વારા ગોલ કરતાં સ્ટેડિયમ હર્ષનાદોથી ગૂંજી ઉઠ્યું હતું, પણ બે જ મિનિટ બાદ નેધરલેન્ડ્સે ગોલ કરતાં લોકોનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો.

હાફ ટાઈમે સ્કોર 1-1 હતો.

બીજા હાફમાં બંને ટીમે સરસાઈ મેળવવા તનતોડ મહેનત કરી હતી. આખરે, ડચ ટીમ સફળ રહી હતી.

હવે શનિવારની સેમી ફાઈનલમાં નેધરલેન્ડ્સનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.

બીજી સેમી ફાઈનલ મેચમાં બેલ્જિયમનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. બેલ્જિયમે જર્મનીને 2-1થી અને ઈંગ્લેન્ડે આર્જેન્ટિનાને 3-2થી પરાજય આપ્યો હતો.