‘ખુલ્લી સડક’થી લોકોના હૃદય સુધી પહોંચેલા આવારા પ્રેમરોગી રાજ કપૂર

રાજ કપૂર એટલે હિન્દી સિનેમાનાં સૌથી મહાન શોમેન. મૂળ નામ, રણબીરરાજ કપૂર.
રાજ કપૂર માત્ર અભિનેતા જ નહીં, પણ અવ્વલ દરજ્જાના નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પરિવારમાં પેશાવરમાં આવેલી કપૂર હવેલીમાં ૧૪ ડિસેંબર, ૧૯૨૪માં જન્મેલા રાજ કપૂરની આજે ૯૪મી જન્મતિથિ છે ત્યારે ચિત્રલેખાના ફિલ્મ સામયિક જીમાં પ્રકાશિત થયેલા લેખો અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ.

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-31 મે, 1988ના અંકમાં પ્રકાશિત બની રુબેનનો લેખ વાંચો)

માત્ર ૨૩ વર્ષની ઉંમરે પોતાની ફિલ્મ કંપની… ૨૪મે વર્ષે નિર્માણ-દિગ્દર્શન… ૨૫મે વર્ષે પહેલી સુપર હિટ ફિલ્મ… ૨૭મે વર્ષે પોતાની માલિકીનો મૉડર્ન સ્ટુડિયો… કહોતો, આવી અપૂર્વ સિદ્ધિનો જોટો જડી શકે?
રાજ કપૂર.

અભિનય-નિર્માણ-દિગ્દર્શનનો એક ઓલિયો ભવ્ય સ્પપ્નો જોવાના અને લગભગ સંપૂર્ણપણે સાકાર કરવાના. આવો એનો સ્વભાવ. એ જ એનો શ્વાસ. ભારતીય સિનેસૃષ્ટિને મળેલું આ લોભામણું મનોરમ લેણું પ્રણયનો સિતારો ચમકાવતો, સામાજિકતાનો ધ્વજ ફરકાવતો એના જ ચિત્ર પ્રેમની આ ગાથા એના પત્રકાર લેખક, પ્રચારક મિત્રે આલેખેલી…

ત્યારે એની ઉંમર વીસેકની. આમ છોકરડો જ છતાં સતત બેચેન, કશુંક કરી દેખાડવાનો તરવરાટ એટલી નાની ઉંમરે આ ક્ષેત્રમાં સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરવાની જબર્દસ્ત ઈચ્છા. સિનિયર કેમ્બ્રીજની પરીક્ષામાં પાસ ન થયો તેથી ભણતરને તિલાંજલી આપી દીધી. અને માર્ગ સ્વીકાર્યો ફિલ્મ દુનિયાનો. ૧૯૪૩માં શરૂઆત થઈ પ્રખ્યાત દિગ્દર્શક કેદાર શર્માના સહાયક રુપે પણ બેચેની અટકી નહીં. કારણ, માત્ર સહાયક તરીકે નહીં બલકે એનાથી ઉચ્ચસ્થાને ઊભા રહીને બધું જ જાતે કરવાની લગન એને પગ વાળીને બેસવા દેતી નહોતી.

શરીરે જાડો અને કોઈની નજરમાં ન સમાય એવા રુપવાળા આ બેચેન યુવાને ફિલ્મ ઉદ્યોગની ઉમેદવારી ત્યજી દઈને એક નાટક કંપનીમાં પ્રવેશ કર્યો. ત્યાં એના પર અનેક જવાબદારીભર્યા કામ આવી પડ્યા જે પાર પાડતા નવરાશ ન મળતી અને મનગમતું કામ મળવાથી પૂરો સમરસ થઈ ગયો. રંગમંચ પર નાની નાની ભૂમિકાઓ કરીને પ્રેક્ષકોને સહાવતો પડદા પાછળ પણ બધું જ કરતો. નેપથ્યના દરવાજા-થાંભલા ખસેડવાથી માંડીને પ્રકાશ આયોજન સુધી. ક્યારેક ઓરકેસ્ટ્રામાં સંગીત વાદ્ય વગાડવા પણ એ જતો. નાટકનો પ્રયોગ ન હોય ત્યારે ગામઆખામાં આગલા ખેલની જાહેરાત કરતો હતો.

ધીમે ધીમે આ કામ કરતા કરતા નાટકની મુખ્ય ભૂમિકા પણ કરવા માંડ્યો. ૧૯૪૫ની આસપાસનો સમય. નાટકો નિહાળવા આવનારા નિર્માતાઓની નજરમાં એની આ ભૂમિકાઓ વસવા માંડી. પછી તો એક પછી એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની ઓફરો મળતી થઈ. ૧૯૪૭માં ચાર ફિલ્મો રજુ પણ થઈ.

પણ તેથી કાંઈ મનની બેચેની થોડી જ દૂર થઈ? ચિત્તને સ્વસ્થતા મળી? ના! હજુ નહીં. કારણ એને આટલેથી જ અટકવું નહોતું. માત્ર એક્ટર કે સ્ટાર બનવાનું નહોતું. એની છલાંગ મોટી હતી. ફિલ્મમાં કામ વધ્યું એટલે એનો આત્મવિશ્વાસ પણ વધ્યો. પોતાના સ્વપ્નનું સાહસ પ્રત્યક્ષ કરી દેખાડવાનો આત્મવિશ્વાસ અને એ જ વર્ષે (૧૯૪૭) પોતાની ફિલ્મ કંપની શરૂ કરી. પોતાની કલ્પના સાકાર કરવા, ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન કરવા તેની મનગમતી ભૂમિકા અદા કરવા.

એ કંપની એટલે આર. કે ફિલ્મ્સ. ભવિષ્યમાં કેટલીય ચિરસ્મરણીય ફિલ્મો આ કંપની તૈયાર કરવાની હતી. એમાંની કેટલીક તો ભારતનો ધ્વજ વિદેશોમાં ગૌરવપૂર્વક ફરકાવવાની હતી. અને આ કંપનીના ઘડતર પાછળ ઊભેલો ત્રેવીસ વર્ષનો તરુણ રાજ કપૂર, પ્રથમ પગલું મંડાયું અને જે પ્રવાસ શરૂ થાય તે આજે અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા ત્રણેય દ્રષ્ટિએ રાજ કપૂરની વૈભવશાળી કારકિર્દીનો સાક્ષી છે.

રાજનું પ્રથમ સર્જન ‘આગ’ પછીની ફિલ્મોએ જે ઝળહળતી કીર્તિસંપાદન કરેલી એવી સફળતાનું સૌભાગ્ય પહેલી ફિલ્મના નસીબે નહોતું છત ‘આગ’ને સફળ તો ગણવી જ પડે. ઉપરાંત અભિનેતા અને ઉત્તમ દિગ્દર્શક તરીકેની પ્રતિભા એણે ‘આગ’માં પડદા પર ખૂબ જ પ્રભાવશાળી રીતે ઉપસાવી નાટક કંપનીનો બહુમુખી અનુભવ એ ય પછી પિતાની જ નાટક કંપની, પૃથ્વી થિયેટર્સ એમાંથી કસોટીએ પાર ઉતરીને પ્રથમ ફિલ્મમાં જ આગવા વ્યક્તિત્વનો એણે સાક્ષાત્કાર કરાવ્યો.

‘આગ’ ૧૯૪૮માં આવી બીજે વર્ષે ‘બરસાત’ એવી તો વરસી કે સમગ્ર સિનેસૃષ્ટિ દીપી ઊઠી. ત્યારની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર બરસાતે અજબ પ્રભાવ પાડી દીધો. ત્યારે રાજની ઉંમર પચ્ચીસ.

ત્યાર પછીની ‘આવારા’ એક બીજી સુપર હિટ ફિલ્મ. એના વિજયનો ડંકો માત્ર ભારતમાં જ નહીં પરદેશમાં યે ધામધૂમથી વાગ્યો. રાજનો પગદંડો સ્વદેશમાં મક્કમ રીતે રોપાઈ ગયો અને આંતરરાષ્ટ્રીય કીર્તિ પણ મળી. ૧૯૫૪માં રશિયામાં આયોજિત પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવમાં ‘આવારા’ની રજુઆતે જબર્દસ્ત સનસનાટી સર્જી દીધી. રાજ કપૂરનું નામ રશિયામાં ઘરોઘર ગાજતું થયું.

૧૯૫૧માં ‘આવારા’ની રજૂઆત પૂર્વે એટલે માંડ ૨૬ની ઉંમરે રાજ કપૂરે સ્વતંત્ર આર. કે સ્ટુડિયો મુંબઈના ચેમ્બુરમાં ઊભો કર્યો. સ્ટુડિયો તૈયાર થાય તે અગાઉ જ રાજે ‘આવારા’ના નરગીસ સાથેના બે માતબર સ્વપ્ન દ્રશ્યો ત્યાં ફિલ્માવી દીધા હતા. મુંબઈના આ સૌથી મોટા સ્ટુડિયો પર હજુ છાપરું ચડ્યું નહોતું ત્યારે આ સ્વપ્ન દ્રશ્યોનું શૂટિંગ રાતને સમયે લાઈટ્સ લગાડીને કરવામાં આવ્યું. જે ભારતીય ફિલ્મોમાં સીમાચિન્હ બની ગયા છે. પછીની આર.કે.ની ફિલ્મ્સ સંપૂર્ણ રીતે આ અદ્યતન સાધન સામગ્રીવાળા સ્ટુડિયોમાં જ સર્જાઈ.

રણજીત સ્ટુડિયોમાં કેદાર શર્મા હેઠળ અને પછી બોમ્બે ટોકિઝમાં અમિયા ચક્રવર્તીના આસિસ્ટન્ટ તરીકેની કામગીરી અધવચ્ચે જ છોડ્યાને હજુ આઠ વર્ષ પણ વીત્યા નહોતા ત્યાં તો રાજ કપૂર અભિનેતા તરીકે પણ ઉચ્ચ હરોળમાં સ્થાન પામી ચૂક્યા હતા. એમની ૧૮ ફિલ્મો ગાજી બરસાત, મહેબૂબની અંદાઝ કારદારની દાસ્તાન સંતોષીની સરગમ અને આવારા ઉપરાંત પોતાની ત્રણ ત્રણ ભવ્ય સફળ ફિલ્મોનો નિર્માતા-દિગ્દર્શક અને સ્ટુડિયોનો તે માલિક બની ચૂક્યા હતા. આવું પરાક્રમ અગાઉ કોઈએ ગજવ્યું નહોતું, આવી અભૂતપૂર્વ કિર્તી કોઈએ સંપાદન કરી નહોતી.
આ પ્રચંડ યશનું રહસ્ય શું હશે?

આ ચમત્કાર પાછળ અનેક કારણો રહેલા છે. એમના શરૂઆતના જીવનમાં આ રહસ્યનો ઉકેલ જડે ખરો.

સ્વ. પૃથ્વીરાજ કપૂરના આ સૌથી મોટા પુત્ર રણબીર રાજ કપૂર. જન્મ: પેશાવર ૧૪, ડિસેમ્બર ૧૯૨૪. પૃથ્વીરાજ કાયદાનો અભ્યાસ કરતા હતા. પૃથ્વીરાજના પિતા લાલા વિશ્વેશ્વરનાથ પોલીસ અધિકારી હતા. પૃથ્વીરાજ અને પત્ની રમાબાઈને રાજ પછી બીજા ચાર પુત્રો જન્મ્યાં. પહેલા બે નાનપણમાં જ ગુજરી ગયા. શમ્મી કપૂર અને શશી કપૂર છેલ્લા બે દીકરા.

રાજ ગૌરવર્ણ, ગોળમટોળ અને બેહાદ ખૂબસૂરત. ગાલ એકદમ રતૂમડા તેથી જ લોકો અને લાડથી સફરજન કહેતા. ઘરવાળા અને પાડોશીઓ પણ પુષ્કળ લાડ કરતા. છોકરો એટલો સોહામણ કે માતા-પિતા સાથે ફરવા નીકળતા રાજને દુકાનદારો સામેથી બોલાવીને મીઠાઈ આપતા.

નાનકડા રાજને આવો પ્રેમ અને લાડકોડ સદા મળતા રહ્યા એ જ તો એના ભાવિ યશનું રહસ્ય નહીં હોય ને?

રાજ પેશાવરની નિશાળમાં ભણવા જતો. પણ ભણે એવા લક્ષણ ન લાગ્યા. પૃથ્વીરાજે કાયદાનો અભ્યાસ કર્યો ખરો પણ લગન મુંબઈની લાગેલી. કૉલેજનાં રંગમંચ પર નાટકો ગજાવેલા અને એ જ સમયે બોલપટનો યુગ ઊગી રહ્યો હતો. સાહસી સ્વભાવ ધરાવતા પૃથ્વીરાજે મુંબઈ ભણી મોરચો વાળ્યો.

૧૯૨૯માં મુંબઈમાં ભારતીય બોલપટના જનક સમા અરદેશર ઈરાણીની ગાજતી ઈમ્પિરીયલ ફિલ્મ કંપનીમાં પ્રવશ કર્યો.

રાજ મુંબઈમાં ભણવા લાગ્યો. પૃથ્વીરાજે કેટલીક મૂંગી ફિલ્મોમાં કામ કર્યા પછી પ્રથમ બોલતી ફિલ્મ આલમઆરામાં મહત્ત્વની ભૂમિકા મેળવી. પણ રંગભૂમિના આ રસિયાએ મુબારક સાથે સેક્સપિયરના નાટકો કરતી એન્ડરસન કંપનીમાં પ્રવેશ કર્યો. ભારતમાં એમના પ્રવાસો થતા તેથી પરિવાર મુંબઈમાં જ રહેતું.

એન્ડરસન કંપની બંધ પડી અને પૃથ્વીરાજે કલકત્તાની ન્યૂ થિયેટર્સ કંપની પકડી. આ અને બીજી કંપનીઓની અનેક ફિલ્મો પૃથ્વીરાજે કરી. કલકત્તામાં સ્થાયી થયા અને બૈરી છોકરાને મુંબઈથી તેડાવી લીધા. રાજ કલકત્તામાં ભણવા લાગ્યો.

આ ધમાચકડીમાં રાજનું શિક્ષણ રખડી પડ્યું. ઉપરાંત એને ભણવામાં મન પણ નહોતું. લેટિન અને ગણિત એને કઠીન લાગતું. શાળાના નાટકોમાં કામ કરવા સદા તૈયાર પણ ગોળમોટળ શરીરને લીધે ત્યાંયે એ જામ્યો નહીં. પછી તો ગમે તેમ ચાળા કરીને બધાને હસાવતો રહેતો. તેથી મિત્રોમાં ભારે લાડકો.

પિતા લોકપ્રિય અભિનેતા હોવાથી ફિલ્મ સૃષ્ટિમાં છૂટથી રાજ હળતો ભળતો. દીકરાએ ભવિષ્યમાં શું કરવું એનો પણ પિતાએ ખાસ વિચાર નહોતો કર્યો. કલકત્તાની ન્યૂ થિયેટરમાં વારંવાર જતો હોવાથી ઈન્કીલાબ (૧૯૩૫)માં રાજે બાલકલાકાર તરીકે કામ કર્યું. દેવકી બોઝ દિગ્દર્શિત આ ફિલ્મમાં દુર્ગા ખોટે પૃથ્વીરાજ અને કે.સી.ડેની ભૂમિકાઓ હતી.

ન્યૂ થિયેટર્સમાં જ રાજને સંગીતમાં રસ લાગવા માંડ્યો. આર.સી. બોરાલ અને પંકજ મલ્લિક તથા કે.એલ. સાયગલ અને કાનન દેવી જેવા કૂશળ ગાયકોને સમીપથી નીરખ્યા. સંગીત મનમાં અસર કરી ગયું અને નસેનસમાં ફરી વળ્યું.

સંગીત રાજ કપૂરની ફિલ્મોનું એક આગવું આકર્ષણ રહ્યું છે. સંગીતકારો પાસેથી ઉત્તમ બંદીશો રચાવવાની ખાસ કુનેહ એનામાં છે. એના બીજ ત્યારે જ પડ્યા હશે.

સિનિયર કેમ્બ્રીજની પરીક્ષામાં નાપાસ થતા જ એમણે ‘હવે ભણવું નથી અને ફિલ્મોમાં આવવું છે.’ એવું પિતાને કહી દીધું. પિતાએ ખૂબ વિચાર કર્યા પછી હા પાડી. અને રણજીત સ્ટુડિયોના ચંદુલાલ શાહને સોંપી દીધો. શરત બે: એક તો પૃથ્વીરાજ કપૂરના પુત્ર તરીકે કોઈએ એને સ્પેશિયલ ગણવો નહીં અને બીજી શરત-પગાર આપવો નહીં.

આ દરમિયાન જ રાજે ઘણું ખરું આત્મસાત કરી લીધું પણ એનો ઉદ્દેશ પાર પાડવાનો નહોતો. કોઈની તાબેદારી હેઠળ એનું વ્યક્તિત્વ ખીલવાનું નહોતું. એને તો જોઈતો હતો સ્વતંત્ર સંચાર આંતરિક પ્રેરણા દ્વારા કામ કરવા મળે એવી પરિસ્થિતિ.

અને એ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ પણ ૧૯૪૪માં પૃથ્વીરાજે પોતાની નાટક કંપની પૃથ્વી થિયેટર્સ શરૂ કરી ત્યારે. રાજની એ જ સાચી શાળા હતી. પિતાની નાટક કંપનીમાં પ્રવેશ કરીને સર્વગુણ સંપન્ન બનાવાના પાઠ રાજ શીખવા માંડ્યા.

એ જ અરસામાં કોલ્હાપૂરના ભાલજી પેંઢારકરની ‘વાલ્મિકી’ નામની પૌરાણિક ફિલ્મમાં કામ કર્યુ. પિતા વાલ્મિકી બન્યા. પુત્ર નારદ, રંગભૂમિ પર રાજે મન:પૂર્વક ચીવટાઈથી કામ કર્યું. એને પ્રશંસા અને લોકપ્રિયતા મળી. રાજનું ઘડતર થવા માંડ્યું. ફિલ્મની દિશાનો અસ્પષ્ટ ધૂંધળો માર્ગ ઉજ્જવળ બન્યો. સ્વપ્નોની અચૂક દિશા જડી. શું કરવું એની સૂઝ પડવા માંડી અને સમરસ બનીને એ મંડી પડ્યા.

પિતાના બે લોકપ્રિય નાટકોમાં એમણે ખાસ સહાય કરી. ‘દીવાર’માં વિનોદી ભૂમિકા તેમ જ ‘પઠાણ’માં પ્રણયપ્રધાન મુખ્ય ભૂમિકા. એ બન્ને ભૂમિકાઓ ફિલ્મના નિર્માતાઓને એટલી તો ગમી ગઈ કે તેઓ રાજને આજીજી કરીને બોલાવવા માંડ્યા. પહેલા હતા ચંદુલાલ શાહ. એમણે એને કેદાર શર્મા દિગ્દર્શિત ‘નીલકમલ’માં રૂપસુંદરી મધુબાલા સામે ઉભા કરી દીધા. અને પછી તો ફિલ્મોની લાઈન લાગી. બીજી ત્રણ ફિલ્મો મળી: મુરારી પીક્ચર્સની ‘ચિત્તોડ વિજય’ અને અમર જ્યોતિની ‘દિલ કી રાની’- બન્નેની હીરોઈન મધુબાલા અને ત્રીજી ગજાનન જાગીરદારની ‘જેલયાત્રા’ હીરોઈન હતી કામિની કૌશલ. આ ચારેય ફિલ્મો ૧૯૪૭માં રજુ થઈ અને હીરો રાજ કપૂરનો ઉત્સાહ દિવસે દિવસે વધતો રહ્યો.

નિરાશા પૂરી થઈ અને આત્મવિશ્વાસ બળવાન બન્યો. (જાતમહેનતથી મહાન બનવાની પ્રેરણા એને કદાચ હતાશાને લીધે જ મળી હશે. નિરાશા, હતાશ અવસ્થામાં હાથ પગ વાળીને બેસી જવા કરતા એનામાં વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રબળ ભાવના જાગ્રત થતી હશે.)

આ જ આત્મવિશ્વાસથી પ્રેરિત થઈને જ રાજે ફિલ્મ નિર્માણનું સ્વપ્ન સાકાર કરવાનો વિચાર કર્યો. ‘જેલયાત્રા’ના સેટ પર લેખક ઈંદર રાજ આનંદ પાસે ફિલ્મ માટેની વાર્તા માંગી અને હીરોઈન કામિની કૌશલને એક ભૂમિકા માટે કરારબદ્ધ કરી લીધી.

૧૯૪૭માં જ રાજે આર. કે.ફિલ્મ્સની સ્થાપના કરીને ઈંદરરાજ આનંદે બીજી એક વાર્તા પણ રાજને આપી. એના પરથી રાજ ઘરૌંદા બનાવવાના હતા. પણ ‘ઘરૌંદા’ બની જ નહીં. અનેક વર્ષો પછી એ જ વાર્તા પરથી રાજે ‘સંગમ’ બનાવી.

‘આગ’ માટે નિગાર સુલ્તાનાને ય કરારબદ્ધ કરી અને પૃથ્વી થિયેટર્સના સહકારી અને સાળા પ્રેમનાથને ય એક મહત્ત્વની ભૂમિકા આપી. પણ રાજ સહિતના બધા જ કલાકારો નવા હોવાથી એણે નરગિસને લીધી. એનું નામ ત્યારે ગાજતું હતું અને ફિલ્મ ધીખતો ધંધો કરે તેથી જ રાજે એને લીધી હતી.

નાટકોમાં કામ કરતા કરતા જ રાજે ફિલ્મમાં નરગિસને લેવાનો વિચાર કરેલો. તેથી વારંવાર નરગિસની મા જદ્દનબાઈને મળતો. નરગિસને એણે ‘આગ’ માટે ખાસ્સા ચાલીસ હજાર આપવાનું કબૂલ કરેલું! એટલે પૂરી ફિલ્મના ખર્ચની સરખામણીમાં અડધી રકમ. પણ એટલા પૈસા રાજ પાસે હતા? થોડાક હતા. નાટકની કમાણીમાંથી બચાવેલા. એનું આ સપનું ૧૯૪૭માં સાકાર થયું.

રાજ નરગિસની જોડીની આ શરુઆત હતી. બન્નેની કેટલીયે ફિલ્મો આવવાની હતી. આર.કે.માં અને આર.કે.ની બહાર પણ. આ જોડી ખૂબ જ ગાજી. કાળક્રમે નરગિસ આર.કે.નું એક અવિભાજ્ય અંગ બની ગઈ. એટલું જ નહીં. ભાગીદાર સુદ્ધાં થઈ.

‘આગ’ ફિલ્મે રાજ કપૂરને અભિનેતા, નિર્માતા દિગ્દર્શક તરીકે નામના અપાવી. ‘બરસાતે’ શંકર-જયકિશનની સંગીતકાર જોડીને પ્રથમ અવસર આપ્યો. બન્ને પૃથ્વી થિયેટર્સમાં વાદક હતા. શંકર હાર્મોનિયમ વગાડતો.

જયકિશન તબલા પર તાલ મેળવતો. આ જોડીએ જયકિશનના મૃત્યુ સુધી વીસેક વર્ષ સુમધુર સંગીત વડે રસિકોને ભીંજાવી દીધાં. બરસાતે બીજી એક કલાકાર પણ આપી નિમ્મી આ ફિલ્મે એટલી તો કિર્તી અપાવી કે રાજે દેશના એક અગ્રગણ્ય સર્જક તરીકે પગદંડો જમાવી દીધો. અગાઉની બે પ્રણય પ્રધાન ફિલ્મો કરતા ‘આવારા’ જુદી જ હતી.

એને સામાજીક સંઘર્ષની પાર્શ્ર્વભૂમિ હતી. લેખક કે.એ.અબ્બાસ, વસંત સાઠે અને રાજ પોતે-ત્રણેયનું સંયુક્ત લેખન.
એ અને નરગિસ અમેરિકામાં આયોજીત પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવના પ્રતિનિધિ મંડળના સભ્ય હતા અને એવું જ માન બન્નેને રશિયન મહોત્સવમાં પણ મળ્યું. રશિયામાં રાજ-નરગિસની જોડી ભારે લોકપ્રિય બની ગઈ.

પછીની બે ફિલ્મો આહ (૧૯૫૪) અને બૂટ પોલીશ (૧૯૫૪) અનુક્રમે રાજના સહાયક રાજા નવાથે અને પ્રકાશ આરોરાએ દિગ્દર્શિત કરી. રાજ ત્યારે બહારની ફિલ્મોમાં વ્યસ્ત હતો. ૧૯૫૧માં ‘આવારા’ની રજુઆત પછી ૧૯૫૨-૫૩માં રાજની બહારની છ ફિલ્મો રિલિઝ થઈ. અંબર, અનહોની, આશિયાના, બેવફા, ધૂન અને પાપી આ બધી ફિલ્મોની હીરોઈન નરગિસ જ હતી.

નવાથે દિગ્દર્શિત ‘આહ’ શંકર-જયકિશનના શ્રવણ મધુર સંગીત છતાં ખાસ ચાલી નહીં. પ્રકાશ અરોરા દિગ્દર્શિત ‘બૂટ પોલિશ’નો ઘણો હિસ્સો રાજે ફરીથી બનાવ્યો તેથી ફિલ્મો સુપર હિટ ગઈ. જોયુંને, રાજ સ્પર્શ કેટલો મહત્ત્વનો હતો!

આર.કે.ની આગામી ‘શ્રી ૪૨૦’ રાજે જ દિગ્દર્શિત કરી. મૃદુ હળવા અત:કરણવાળા એક અદના માનવીની ‘આવારા’માં જન્મેલી પોતાની ઈમેજને રાજે આ ફિલ્મમાં સંપૂર્ણ કરી દેખાડી. ફિલ્મના પૂર્વાર્ધ સુધીનો રાજનો અભિનય ચાર્લી ચેપ્લીનના વિશ્ર્વ વિખ્યાત ભારતીય આવૃત્તિ સમાન હતો. ધનવાન સમાજના કારનામાં અને દરિદ્રનારાયણોની યાતના રાજે આ ફિલ્મમાં ઉપસાવી. ફિલ્મ ખૂબ ચાલી અને સમાજવાદી દેશોએ માથે ચડાવી.

પછીની ‘જાગતે રહો’ હિંદી બંગાળી દ્વીભાષી ફિલ્મ બંગાળી રંગભૂમિના વિખ્યાત નાટ્યકાર-અદાકાર શંભુ મિત્રા અને અમિત મિત્રાએ દિગ્દર્શિત કરી બન્નેનો હીરો રાજ હતો. એક જ રાતમાં એક જ મકાનમાં બનતા બનાવોવાળું કથાનક રાજના અભિનય દ્વારા સાકાર થયું. શહેરી જીવનના અનેક કાળા કર્મો પર વેધક પ્રકાશ પાડવામાં આવ્યો. ૧૯૫૭માં કાર્લોવી વેરી ફિલમ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ પુરસ્કાર ‘ગ્રાન્ડ પ્રી’ મળ્યો.

‘જાગતે રહો’ નરગિસની રાજ સાથેની છેલ્લી ફિલ્મ. ત્યાર પછી માત્ર આર.કે. જ નહીં બલકે બહારની કોઈ પણ કંપનીની ફિલ્મમાં એ રાજ સાથે ન આવી. એટલું જ નહીં આર.કે.ની ભાગીદારીમાંથી પણ છૂટી થઈ ગઈ અને સુનિલ દત્તને પરણીને નરગિસમાંથી નિર્મલા દત્ત બની ગઈ.

દરેક વાતે જાતને ડુબાડી દેનારો અને એકદમ સમરસ બની જનારો એક માણસ, એક કલાકાર નરગિસના જવાથી જબર્દસ્ત આંચકો ખાઈ બેઠો. એની જાત પર અને સ્ટુડિયોના કામકાજ પર પણ એની અસર પડી. આર. કે. સ્ટુડિયોમાં કેટલોક સમય ફિલ્મ નિર્માણનું કામકાજ ઠંડુ પડી ગયું. બહારની ફિલ્મોમાં રાજ મગ્ન હતો. શારદા (મીનાકુમારી), પરવરિશ અને ફિર સુબહ હોગી (માલા સિંહા) અનાડી અને છલિયા (નૂતન), ચાર દિલ ચાર રાહે (મીનાકુમારી) અને દો ઉસ્તાદ (મધુબાલા).

આર. કે.ની ‘જીસ દેશમેં ગંગા બહેતી હૈ’ ૧૯૬૦માં આવી. ‘આવારા’થી રાજની ફિલ્મોના છબીકાર રાઘુ કર્માકારી દિગ્દર્શિત કરેલી. પદ્મિની સાથે રાજે એક સીધા સાદા, નિષ્પાપ, ગામડિયા યુવકની ભૂમિકા કરેલી જે ધાડપાડુઓની જાળમાં અટવાય છે. ફિલ્મ હીટ ગઈ. પછી ૧૯૬૨માં ‘આશિક’માં રાજ, પદ્મિની અને નંદા બન્નેનો હીરો બન્યો. પછીની ‘સંગમે’ તો બોક્સ ઑફિસનો નવોજ ઈતિહાસ સર્જ્યો, મૈત્રી અને ત્યાગની આ ગાથા રાજે લાંબા સમય પછી દિગ્દર્શિત કરી, વૈજયંતિમાલા અને રાજેન્દ્રકુમાર એના સાથી, ભવ્યતાનાર નમૂનારૂપ અને ઘણી ખરી યૂરોપમાં જ ફિલ્મવાયેલી આ ફિલ્મ દેશ-વિદેશમાં વિક્રમ નોંધાવી ગઈ. ઈરાનમાં તો એટલી જોરદાર ચાલી કે તેહરાનની એક યુનિવર્સિટીએ રાજને ડી. લિટ (ડૉક્ટર ઓફ લિટરેચર)ની પદવી પ્રદાન કરીને નવાજ્યા!

‘સંગમ’ પછી રાજને બીજો આંચકો લાગ્યો. નરગિસને સ્થાને આવેલી વૈજયંતીમાલા આર. કે. છોડીને ડૉ. બાલીને પરણી ગઈ.

અસ્વસ્થ માનસિક અવસ્થામાં રાજે એનું મહત્ત્વાકાંક્ષી સ્વપ્ન સાકાર કરવાનું નક્કી કર્યું. ‘મેરા નામ જોકર’ એટલે આત્મકથાત્મક ફિલ્મ જ. જિંદગીના ચડાણ-ઉતરાણ એણે ફિલ્માવ્યા હતા. ત્રણ હીરોઈનો હતી. એક શિક્ષિકા બીજી અભિનેત્રી અને ત્રીજી સરકસ સુંદરી એનો મૂળ વિચાર તો છ હીરોઈનો રજુ કરવાનો હતો. ત્રણ ઉપરાંત એક જાદુગરની છોકરી, બીજી પોતાની પત્ની અને ત્રીજી આધેડ વયે પહોંચેલા હીરોના પ્રેમમાં પડેલી ષોડશી (સોળ વર્ષની છોકરી) નૂતન, અથવા શર્મિલા ટાગોરને લેવાનું નક્કી પણ કરી રાખેલું. પરંતુ ત્રણ હીરોઈન સાથેના પ્રસંગો એટલા તો લંબાઈ ગયા કે રાજે એ વિચાર પડતો મૂકવો પડ્યો. જોકર માટે પૂષ્કળ પૈસા ખર્ચ્યા. સર્વસ્વ હોમી દીધું. પરંતુ ૧૯૭૦માં રજૂ થયેલી ‘જોકર…’ સદંતર ફ્લોપ ગઈ. ધંધાદારી દ્રષ્ટિએ રાજની આ સૌથી મોટી પીછેહઠ.

વ્યક્તિગત અને ધંધાદારી નિષ્ફળતા અધૂરી હોય તેમ રાજને બીજા આંચકા પણ ક્ષમવા પડ્યા. શૈલેન્દ્ર અને જયકિશન જેવા નિકટના સાથી મૃત્યુ પામ્યા. ત્રણેયે મળીને સ્વપ્નો સજાવ્યા હતા. સાથે કામ કરેલું અને નામના પત્ર ત્રિપુટીએ સાથે જ મેળવી આ આઘાત પછી રાજનો મોજીલો સ્વભાવ લેપાઈ ગયો અને સ્ટુડિયો તરફ દુર્લક્ષ્ય થયું તેથી આર.કે.નું ચૈતન્યમય, વાતાવરણ વણસી ગયું. અધૂરામાં પુરું કામદારોનો ઝગડો શરૂ થયો.

બે વર્ષ રાજ ગુમસુમ બેસી રહ્યો, ઘણાને લાગ્યું કે રાજ ખતમ થઈ ગયો. એ જ વખતે બીજા દીકરા રિષી અને નવોદિત ડિમ્પલ કાપડિયા તથા સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલને લઈને તેણે ‘બોબી’ની જાહેરાત કરી. જો કે લોકોએ એને ખાસ મહત્ત્વ ન આપ્યું. સૌને લગભગ એવું જ લાગ્યું કે હવે રાજ શાનો પિક્ચર બનાવે! પણ રાજે ટકોરા બંધ જવાબ સાથે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. ‘બોબી’ આવી અને રાજ કપૂરનો પુન:અવતાર થયો. દબદબાભરી રીતે! ફિલ્મે જબર્દસ્ત યશ તો અપાવ્યો જ પરંતુ ‘જોકર’નું ઘણું ખરું દેવું યે ફેડી નાખ્યું. તે ઉપરાંત સહકારીઓમાં આત્મવિશ્વાસ ફરી જાગ્રત થયો.

તે સમયનું એક મજાનું સંભારણું છે: ‘બોબી’ની રજુઆત નિમિત્તે યોજાયેલા એક સમારંભમાં અતિથિ વિશેષ બનેલી રાજની આસપાસ વિતરકોની ભીડ એકઠી થયેલી હું પડખે જ ઊભો હતો. શું બોલાઈ રહ્યું છે એ સાંભળવા ઓર નજીક રસક્યો. રાજ સમજી ગયો. એણે મારી સામે જોઈને હળવેકથી આંખ મીચકારી. જાણે મજાકમાં રાજ મને કહી રહ્યો હતો: જોયું આ મારી આસપાસનું કુંડાળું? આજ માણસો હું ખતમ થઈ ગયો. ખલાસ થઈ ગયો એવું સમજતા હતા. કેટલાક તા બોલી પણ ગયેલા. હવે જોયુંને કેવો મસ્કો લગાવી રહ્યા છે તે.’

‘બોબી’ અગાઉ રણધીર કપૂરે પહેલું દિગ્દર્શન કર્યું ‘કલ, આજ ઔર કલ’માં પૃથ્વીરાજ, રાજ અને રણધીર એવી ત્રણ પેઢીની વાર્તા ‘બોબી’ પછી ય રણધીરે બીજી એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું. ‘ધરમ કરમ’ બન્ને પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. રાજે દિગ્દર્શિત કરેલી ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ (શશી કપૂર, ઝીનત અમાન) બનાવી પણ સફળ ન નિવડી.

‘સત્યમ્…’ પછીની ‘પ્રેમરોગ’ હીટ ગઈ અને ‘રામ તેરી ગંગા મૈલી’ પણ ધૂમ ચાલી.

‘રામ તેરી… એ સુવર્ણ જયંતી ઉજવી અને ટિકિટબારીએ સર્વ શ્રેષ્ઠ ફિલ્મ કરી દરમિયાન રાજને ‘પદ્મભૂષણ’નો ખિતાબ પણ મળ્યો.

ચાર વર્ષ પહેલા ૧૪ ડિસેમ્બર ૧૯૮૪ના દિવસે જ્યારે રાજે સાઠ વર્ષ પૂરા કર્યા ત્યારે જ મેં પૂછેલું: સાઠ પૂરા કરવાથી કેવું લાગે છે? ‘રાજે કહેલું: ફિલ્મ કલા આત્મસાત કરવા મેં ૪૫ વર્ષ વીતાવી દીધાં. આજે સાઠ પૂરા થયા ત્યારે મને એક મહાન સંગીતકારે સાઠમી વર્ષગાંઠ નિમિત્તે ઉચ્ચારેલા ઉદગાર સાંભરે છે એના અભિનંદન ખાતર તાળિયોનો ગગનભેદી ગડગડાટ પૂરો થથા જ એ બોલ્યો હતો- હે ઈશ્વર અત્યારે જ તો મેં માંડ સંગીતનો ખેલ શરૂ કર્યો છે. એટલે તું અત્યારે જ મને બોલાવી ન લેતો. પેલા સંગીતકારની માફક હું પણ સર્વશક્તિમાન પરમેશ્ર્વરને પ્રાર્થના કરું છું. હજુ હમણાં જ તો હું ફિલ્મના આ માધ્યમને સાચેસાચ સમજતો થયો છું તેથી મને વધુ આવરદા આપ. એટલે થોડોક સમય લોકોનું મનોરંજન કરી શકું.’

આવા ઉત્કટ ઉદગારો પછી ચાર વર્ષે-ચોસઠમે વર્ષે રાજ આજે પથારીવશ છે. બિમાર છે. થાક્યો છે જાણે બચપણથી ઉપભોગેલું, ભોગવેલું વેગીલું જીવન અચાનક થાકીને થંબી ગયું છે. આમ જોઈએ તો આ બિમારી છેલ્લાં કેટલાક વર્ષોથી એનો પીછો પકડી રહી છે. ક્રોનિક અસ્થમાને લીધે શ્વાસોચ્છવાસની તકલીફ વરતાય છે.

બિમારી વિફરી અને બહુમાનનું ઉત્તુંગ શિખર પણ આવા જ સમયે સર કર્યું. માંદગી અને સત્કાર બન્નેએ હાથ મિલાવીને સરહદ સર કરી.