ભારતે પોતાનો શરમજનક રેકોર્ડ તોડ્યોઃ 36 રનમાં ઓલઆઉટ

એડિલેડઃ એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મહેમાન ભારતથી જીતવા માટે માત્ર 90 રનની જરૂર છે. ભારતીય ટીમે ટેસ્ટમાં ન્યૂનતમ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં ભારતીય ટીમે 46 વર્ષ પહેલાં સૌથી ઓછો સ્કોર 42 બનાવ્યો હતો. એ ઇગ્લેન્ડની સામે લોર્ડ્સમાં 1974માં બનાવ્યો હતો. હાલત એટલી ખરાબ હતી કે કોઈ પણ બેટ્સમેન દ્વિઅંકીનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. સૌથી વધુ 9 રન મયંક અગ્રવાલના રહ્યા હતા.

ટેસ્ટ ટીમના ત્રીજા દિવસે સવારે બુમરાહની વિકેટ પડ્યા પછી સતત વિકેટો પડતી રહી અને છેલ્લે ઇજાગ્રસ્ત બેટ્સમેન મોહમ્મદ શમી આઉટ થવા સુધી બીજી ઇનિંગ્ઝમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પહેલી ઇનિંગ્સમાં 53 રનની લીડ સાથે ભારતે કુલ 89 રનની લીડ મેળવી હતી. જેથી હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 90 રનની જરૂર છે. બીજા દિવસે પેટ કમિંસે ભારતીય બેટસમેનોની પાંચ વિકેટો લીધી હતી. એની આગળ ભારતીય બેટ્સમેનોએ સરન્ડર કરી દીધું હતું.

ભારતે પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં કુલ 244 રન બનાવ્યા હતા. એ પછી ભારતે ઓસ્ટ્રેલિયીને 191 રન સુધી સીમિત રાખ્યું હતું, જેમાં અશ્વિને ચાર વિકેટ મેળવી હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 53 રનની લીડ મેળવી હતી, પરતું ભારત બીજી ઇનિંગ્સમાં માત્ર 36 રનમાં ખખડી ગયું હતું. હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 90 રનની જરૂર છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ લંચ સુધી 15 રન બનાવી લીધા હતા અને હવે મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને માત્ર 75 રનની જરૂર છે.