ગુજરાત, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીઃ નલિયામાં 3.8 ડિગ્રી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના આબુમાં તાપમાનનો પારો માઇનસ પાંચ ડિગ્રીથી પણ નીચે ગગડી ગયો હતો. મેદાનોમાં પણ જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ઉત્તર ભારતનાં તમામ રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જેથી રાજ્યભરમાં આજે પણ કોલ્ડવેવની અસર જોવા મળી છે. ઉત્તરીય ઠંડા પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ શીત પવનને કારણે લોકો ઠૂંઠવાયા હતા.

નલિયામાં લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. આ પહેલાં ગુરુવારે નલિયામાં સીઝનનું સૌથી ઓછું 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે સવારથી જ રાજ્યમાં ઠંડીના લીધે જનજીવન ઠૂંઠવાઈ રહ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગઈ કાલે પણ અનેક શહેરમાં તાપમાનનો પારો નીચો ઊતરતાં હાડ ધ્રુજાવે તેવી ઠંડી પડી હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી છે અને લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું 24થી 25મી ડિસેમ્બર સુધી રહેશે. તે પછી થોડીક રાહત થશે. આગામી એક સપ્તાહ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર ભારતનું મિનિમમ તાપમાન છેક 30મી ડિસેમ્બર સુધી બે ડિગ્રીએ પહોંચી જાય એવી શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં સાઇક્લોનિક સરક્યુલેશન
ઉત્તર ગુજરાતમાં અને તેની આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 2.1 કિ.મી.ની ઊંચાઈ પર સાઇકલોનિક સરકયુલેશન સર્જાયું છે અને તેના કારણે ઠંડીની માત્રા ઘટશે.