કમાલનો કોહલીઃ 50મી ODI સદી ફટકારી; ભારતનો 397 રનનો ખડકલો

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની પહેલી સેમી ફાઈનલમાં ભારતે ટોસ જીતીને પોતાના હિસ્સાની 50 ઓવરમાં 4 વિકેટે 397 રનનો જંગી સ્કોર નોંધાવ્યો છે.

1983 અને 2011ની વિજેતા ટીમ ભારતના આજના દાવની મુખ્ય વિશેષતા ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી, જે વિશ્વવિક્રમસર્જક રહી છે. 291મી વન-ડે મેચ રમી રહેલા કોહલીએ આજે તેની કારકિર્દીની 50મી ODI સદી ફટકારી છે. આ સાથે તેણે મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના 49 સદીના વિશ્વવિક્રમને તોડ્યો છે. તેંડુલકરે 492 દાવમાં 49 સદી ફટકારી હતી. કોહલીએ 279 દાવમાં 50 સેન્ચુરી કરી છે. કોહલી બાદમાં વ્યક્તિગત 117 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેણે આ રન 113 બોલમાં, 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે કર્યા હતા.

કોહલી આઉટ થયા બાદ શ્રેયસ ઐયરે પોતાની સદી પૂરી કરી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં તેની આ સતત બીજી સદી હતી. તે આખરે વ્યક્તિગત 70 બોલમાં 105 રન કરીને આઉટ થયો હતો. એણે કિવી બોલરોને મેદાનની ચારેકોર ઝૂડી કાઢીને 8 છગ્ગા અને ચાર ચોગ્ગા ઝીંક્યા હતા. શુભમન ગિલ 66 બોલમાં 80 રન (3 છગ્ગા, 8 ચોગ્ગા) અને વિકેટકીપર કે.એલ. રાહુલ 20 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 39 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ગિલ 79 રનના સ્કોર પર હતો ત્યારે શરીરમાં કળતર થવાને લીધે રિટાયર હર્ટ થયો હતો, પરંતુ દાવની આખરી ઓવરમાં રમવા માટે ક્રીઝ પર પાછો આવ્યો હતો.

કેપ્ટન રોહિત શર્મા 47 રન કરીને આઉટ થયો હતો. તેણે 29 બોલના દાવમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વર્લ્ડ કપમાં કુલ 50 સિક્સ ફટકારનાર રોહિત શર્મા દુનિયાનો પહેલો બેટર બન્યો છે. એણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો 49 સિક્સનો રેકોર્ડ તોડ્યો છે. કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સ મારવાનો વિશ્વ વિક્રમ પણ રોહિતે પોતાને નામે કર્યો છે. 27મી સિક્સ ફટકારવા સાથે એ વિક્રમ રોહિતના નામનો થયો છે. અગાઉનો વિક્રમ ક્રિસ ગેલ (26 સિક્સ – 2015ની વર્લ્ડ કપ)ના નામે હતો. વર્લ્ડ કપમાં કુલ સિક્સર ફટકારનાર બેટર્સની યાદીમાં ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ છે – 43 સિક્સ સાથે.

ભારતના દાવમાં કુલ 19 છગ્ગા અને 30 ચોગ્ગા પડ્યા હતા.

ભારતીય ટીમ લીગ તબક્કામાં તેની તમામ 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં નં-1 ટીમ તરીકે સેમી ફાઈનલમાં પહોંચી છે. ન્યૂઝીલેન્ડ ટીમ 9માંથી પાંચ મેચમાં જીત અને 4માં હાર સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે આવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

બીજી સેમી ફાઈનલ આવતી કાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. તેમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. બંને સેમી ફાઈનલની વિજેતા ટીમ વચ્ચે 19 નવેમ્બરના રવિવારે મુકાબલો થશે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ઓસ્ટ્રેલિયા પાંચ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે.

ODIમાં સૌથી વધુ સદી કરનાર બેટર્સઃ

50 – વિરાટ કોહલી (ભારત)

49 – સચીન તેંડુલકર (ભારત)

31 – રોહિત શર્મા (ભારત)

30 – રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)

28 – સનથ જયસૂર્યા (શ્રીલંકા)


ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરનાર બેટર્સઃ

7 – રોહિત શર્મા

6 – સચીન તેંડુલકર

6 – ડેવિડ વોર્નર

5 – રિકી પોન્ટિંગ

5 – કુમાર સાંગકારા

5 – વિરાટ કોહલી