લંડનઃ આવતી 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીંના ઓવલ મેદાન પર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેરાત કરી છે કે જે ટીમ વિજેતા બનશે એને 16 લાખ ડોલર (આશરે રૂ. 13 કરોડ 21 લાખ)નું ઈનામ મળશે. જ્યારે ફાઈનલ હારનાર ટીમને 8 લાખ ડોલર (આશરે રૂ. 6 કરોડ 50 લાખ) ઈનામ રૂપે મળશે. વિજેતા ટીમના કેપ્ટનને ખાસ બનાવેલી ICC મેસ (ગદા) પણ મળશે.
WTC ફાઈનલ મેચ 7-11 જૂન સુધી રમાશે. 12 જૂન રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે.
આઈસીસીએ 2019-21માં યોજાઈ ગયેલી પ્રારંભિક WTC વખતે જે ઈનામી રકમ રાખી હતી તે જ આ વખતે રાખી છે. પહેલી WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને આઠ-વિકેટથી હરાવ્યું હતું અને 16 કરોડ ડોલરનું પહેલું ઈનામ પ્રાપ્ત કર્યું હતું.
સ્પર્ધાની કુલ ઈનામી રકમ 38 કરોડ ડોલર છે. સ્પર્ધામાં રમનાર તમામ ટીમોને અમુક રકમ આપવામાં આવશે. ત્રીજા ક્રમે રહેલી સાઉથ આફ્રિકા ટીમને સાડા ચાર લાખ ડોલર ઈનામ રૂપે મળ્યા છે. તો ઈંગ્લેન્ડને સાડા ત્રણ લાખ ડોલર મળ્યા છે. પાંચમા ક્રમે રહેલા શ્રીલંકાને બે લાખ, છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા ક્રમે રહેલા અનુક્રમે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને એક-એક લાખ ડોલર મળશે.