મુંબઈઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આજે સમર્થન આપ્યું છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ, જે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમવાનું નિર્ધારિત હતું, તે મેચને હવે સાઉધમ્પ્ટન શહેરના એજીસ બોલ મેદાન ખાતે ખસેડવામાં આવી છે. આ મેચ આ વર્ષની 18-22 જૂન દરમિયાન રમાશે, 23 જૂન અનામત દિવસ રખાયો છે. ભારતીય ટીમ ઘરઆંગણાની સિરીઝમાં ઈંગ્લેન્ડને 3-1થી હરાવીને અને 72.2 ટકા પોઈન્ટ્સ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 ટીમ બની છે. ન્યૂઝીલેન્ડની ટીમ 70 ટકા પોઈન્ટ્સ સાથે બીજા નંબરે રહી છે. ઓસ્ટ્રેલિયા 69.2 સાથે ત્રીજા અને ઈંગ્લેન્ડ 61.4 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને રહી છે.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું કે, ફાઈનલ મેચને સાઉધમ્પ્ટનમાં રમાડવાનું ઘણા લાંબા સમય પહેલાં નક્કી કરાયું હતું. કોરોના વાઈરસ બીમારીને કારણે આ નિર્ણય લેવાયો છે અને સાઉધમ્પ્ટનમાં ખેલાડીઓની હોટેલ સ્ટેડિયમની એકદમ નજીકમાં જ છે.