માઉન્ટ મોન્ગાનુઈ (ન્યૂઝીલેન્ડ): આઈસીસી દ્વારા આયોજિત મહિલાઓની વર્લ્ડ કપ સ્પર્ધામાં આજે અહીં રમાઈ ગયેલી ગ્રુપ મેચમાં ભારતની મહિલાઓએ પાકિસ્તાનની મહિલા ક્રિકેટરોને 107 રનથી પરાજય આપ્યો હતો. મિતાલી રાજે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. સ્મૃતિ મંધાના (52) અને દીપ્તી શર્મા (40) વચ્ચે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી અને ત્યારબાદ 7મી વિકેટ માટે સ્નેહ રાણા (અણનમ 53) અને પૂજા વસ્ત્રાકર (67) વચ્ચે 122 રનની ભાગીદારીથી ભારતે 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 244 રન કર્યા હતા. એના જવાબમાં, પાકિસ્તાનની બેટરો 43 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડે સૌથી વધારે, 31 રનમાં 4 વિકેટ લીધી હતી. કેપ્ટન મિતાલી 9 રન કરી શકી હતી જ્યારે પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મારૂફ 15 રન કરી શકી હતી. પાકિસ્તાનની ટીમમાં એકેય હાફ સેન્ચુરી થઈ નહતી.
જમોડી બેટર પૂજા વસ્ત્રાકરને ‘પ્લેયર ઓફ ધ મેચ’નું ઈનામ આપવામાં આવ્યું હતું. મહિલાઓ વર્લ્ડ કપ સ્પર્ધામાં ટાર્ગેટ ચેઝ કરવામાં પાકિસ્તાનની મહિલાઓનો આ 15મો પરાજય છે.