પહેલી ટેસ્ટમાં જાડેજાને ઘૂંટણિયે પડી શ્રીલંકા ટીમ

મોહાલીઃ રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે અહીં પહેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને આજે ત્રીજા દિવસે આખરી સત્રમાં એક દાવ અને 222 રનથી પરાજય આપ્યો હતો અને બે-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. ભારતના 8 વિકેટે 574 રનના પહેલા દાવના સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં 65 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ હતી. ફોલોઓન થયા બાદ બીજા દાવમાં પ્રવાસી ટીમ 60 ઓવર રમી શકી હતી અને 178 રનમાં ખખડી ગઈ હતી. બેટિંગમાં અણનમ 175 રન કરનાર રવિન્દ્ર જાડેજાએ એની ડાબોડી સ્પિન બોલિંગમાં પણ ભારે તરખાટ મચાવ્યો હતો. પહેલા દાવમાં 41 રનમાં પાંચ વિકેટ લીધા બાદ બીજા દાવમાં એણે 46 રન આપીને 4 બેટ્સમેનને તંબૂ ભેગા કર્યા હતા. ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને બીજા દાવમાં 47 રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બે બેટ્સમેનને આઉટ કર્યા હતા. શ્રીલંકાના બીજા દાવમાં વિકેટકીપર નિરોશન ડિકવેલા 51 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

બંને ટીમ વચ્ચેની બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 12 માર્ચથી બેંગલુરુમાં રમાશે. ભારતે આ પહેલાં ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ પરાજય આપ્યો હતો.