દુબઈઃ ક્રિકેટની રમતનું વિશ્વ સ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ નિર્ણય લીધો છે કે હીજડા (પાવૈયા) ખેલાડીઓ અને પુરુષમાંથી મહિલા બનવા માટે લિંગની સર્જરી કરાવનારાઓને આંતરરાષ્ટ્રીય મહિલાઓની ક્રિકેટમાં રમવા દેવા નહીં.
આઈસીસીના બોર્ડે આ નિર્ણયને મંજૂરી આપી છે. બોર્ડના સભ્યોએ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા મહત્ત્વના લોકો સાથે આ મુદ્દે 9 મહિના સુધી ચર્ચા કરી હતી અને આખરે એમણે આ નીતિવિષયક નિર્ણય લીધો છે. મહિલાઓની રમતની અખંડતા, નિષ્પક્ષતા, મહિલા ખેલાડીઓની સલામતી તથા ન્યાયીપણાનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિક સ્તરની ક્રિકેટમાં હીજડાઓ અને પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી કરાવનારાઓને રમાડવા કે નહીં એ નિર્ણય આઈસીસીએ સંસ્થાના વ્યક્તિગત સભ્ય રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડ પર છોડ્યો છે. એ નિર્ણય તેમણે સ્થાનિક કાયદાનુસાર લેવાનો રહેશે. આઈસીસીએ એમ પણ કહ્યું છે કે તે પોતાના નિર્ણયની બે વર્ષની અંદર સમીક્ષા કરશે.