કોલકાતાઃ ફાફ ડુ પ્લેસીના સુકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે ગઈ કાલે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર આઈપીએલ-15ની એલિમિનેટર મેચમાં કે.એલ. રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને 14-રનથી પરાજય આપીને ક્વાલિફાયર-2 તબક્કામાં પ્રવેશ કર્યો છે. ત્યાં આવતીકાલે શુક્રવારે એનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે, જેને ક્વાલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સે 7-વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. એલિમિનેટર અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મુકાબલો 29 મેના રવિવારે થશે.
ગઈ કાલની મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રજત પાટીદારની ધમાકેદાર અણનમ સદી (54 બોલમાં 12 ચોગ્ગા, 7 છગ્ગા સાથે 112 રન)ની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 207 રન કર્યા હતા. તેના જવાબમાં, લખનઉની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ખોઈને 193 રન કરી શકી હતી. કેપ્ટન રાહુલની 58 બોલમાં 79 રનની લડાયક બેટિંગ ફોગટ ગઈ હતી. રજત પાટીદારને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. બેંગલોર ટીમની જીતમાં તેના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની પણ મહત્ત્વની ભૂમિકા હતી. અન્ય બે ફાસ્ટ બોલર – મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવૂડે વ્યક્તિગત 4 ઓવરમાં 40થી વધારે રન આપ્યા હતા ત્યારે હર્ષલે તેની 4 ઓવરમાં માત્ર 25 રન આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. મેચની આખરી ઓવર ફેંકવાની જવાબદારી તેને સોંપાઈ હતી. તે ઓવરમાં લખનઉ ટીમને જીત માટે 24 રન કરવાની જરૂર હતી. એવીન લૂઈસ અને દુષ્મંથા ચમીરા દાવમાં હતા. હર્ષલે ત્રણ બોલમાં એકેય રન થવા દીધો નહોતો. ગયા વર્ષની આઈપીએલમાં હર્ષલે 21 વિકેટ ઝડપી હતી. આ વખતે તે અત્યાર સુધીમાં 19 વિકેટ ઝડપી ચૂક્યો છે.
મેચ બાદ હર્ષલે કહ્યું કે, ‘હું મારી અગાઉની નિષ્ફળતાઓને ભૂલાવીને સારો દેખાવ કરવા માટે દ્રઢનિશ્ચયી હતો. જે રીતે રજત પાટીદારે બેટિંગ કરી હતી તે અદ્દભુત હતી. અમે સૌ જાણતા જ હતા કે તે ટીમનો સ્પેશિયલ ખેલાડી છે. મને પણ દબાણવાળી પરિસ્થિતિમાં, સ્લોગ ઓવર્સમાં પરફોર્મ કરવાનું બહુ ગમે છે. મેં જ્યારે દાવની 18મી ઓવરમાં બે વાઈડ બોલ ફેંક્યા હતા અને એમાં (બાયના 4 રન સહિત) કુલ છ રન આપ્યા હતા ત્યારે હું નર્વસ થઈ ગયો હતો. સદ્દભાગ્યે હું માર્કસ સ્ટોઈનીસને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. મેં આઈડિયા કરીને બેટરોને ઘણા સ્લો બોલ અને સાથે સરસ યોર્કર અને ગુડ હાર્ડ લેન્થ બોલ ફેંક્યા હતા. તેઓ એને ફટકારી શક્યા નહોતા. કારણ કે મેં જોયું કે તમે બોલને જેટલો વધારે ફાસ્ટ ફેંકીએ એટલું બેટરોને ફટકારવાનું આસાન થતું હતું. સ્લોગ ઓવર્સમાં બોલિંગ કરીને દબાણની પરિસ્થિતિમાં સ્વયંને કસોટીની એરણ પર મૂકવાનું હું કાયમ પસંદ કરતો હોઉં છું.’