મોહાલીઃ અહીંના બિન્દ્રા સ્ટેડિયમમાં ગઈ કાલે રમાઈ ગયેલી શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 4-વિકેટથી હરાવી ગયું અને 3-મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. ગઈ કાલે મોહાલીના મેદાન પર રનોનો વરસાદ વરસ્યો હતો. બેઉ ટીમના મળીને કુલ 419 રન થયા હતા. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતે ઓપનર કે.એલ. રાહુલના 55, સૂર્યકુમાર યાદવના 46 અને હાર્દિક પંડ્યાના અણનમ 71 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 208 રન કર્યા હતા. તેના જવાબમાં, ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન કરીને મેચ જીતી ગઈ હતી. શ્રેણીની બીજી મેચ 23મીએ નાગપુરમાં રમાશે. ભારતીય ટીમ જીતની સ્થિતિમાં આવી ગઈ હતી, પણ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર-બેટ્સમેન મેથ્યૂ વેડે તોફાની બેટિંગ કરીને 21 બોલમાં 45 રન ઝૂડી કાઢીને તેની ટીમને અસંભવ જણાતો વિજય અપાવ્યો હતો. 30 બોલમાં 61 રન કરનાર ઓપનર કેમરન ગ્રીનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
મેચના પરિણામથી ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ ખૂબ ઉત્સાહિત થઈ ગયો છે અને કહ્યું કે, આ મેચ સરસ રહી. અમારા બેટર્સ દ્વારા અમુક સરસ ભાગીદારી જોવા મળી. આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની તૈયારીમાં અમે જે કરવા માગતા હતા એમાં સફળ રહ્યા છીએ. ટીમ ઈન્ડિયાના નવા ફિનિશર બની રહેલા હાર્દિક પંડ્યાએ કહ્યું કે, અમે આ હારમાંથી બોધપાઠ લઈશું. કંઈક સુધારો કરીશુું. સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે આ હારમાંથી કંઈક શીખીને અમે વધારે જોર સાથે કમબેક કરીશું.