મુંબઈઃ દિલ્હી કેપિટલ્સ ટીમે ગઈ કાલે અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગયેલી આઈપીએલ-15ની લીગ મેચમાં પંજાબ કિંગ્સ ટીમને 9-વિકેટથી પરાજય આપ્યો હતો. પંજાબ ટીમને 20 ઓવરમાં 115 રનના સ્કોર પર ઓલઆઉટ કર્યા બાદ દિલ્હી ટીમે 10.3 ઓવરમાં માત્ર એક જ વિકેટ ગુમાવીને 119 રન કરીને મેચ જીતી લીધી હતી.
દિલ્હી કેપિટલ્સના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે તેની ચાર ઓવરમાં 10 રન આપીને બે વિકેટ લીધી હતી. તેનો ઈકોનોમી રેટ 2.50 પ્રતિ ઓવર હતો, જે વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં શ્રેષ્ઠ છે. 28 વર્ષના આણંદનિવાસી બોલરે અત્યંત ચુસ્ત અને કરકસરભરી બોલિંગ કરી હતી. ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલેએ જ્યારે અક્ષરને તેની આ બોલિંગ વિશે પૂછ્યું કે, ‘ઈતને કમ રન દિયે આપને, 4 ઓવર મેં સિર્ફ 10 રન દિયે’ તો અક્ષરે તરત જ રમૂજવૃત્તિ સાથે જવાબ આપતાં ગુજરાતીનો ઉલ્લેખ કર્યો હતો, એણે કહ્યું, ‘ગુજરાતી હૂં ન.’ અક્ષરનો પંજાબ ટીમ સામેનો આ છે અત્યાર સુધીનો બોલિંગ રેકોર્ડઃ 22 રનમાં 2 વિકેટ, 14 રનમાં 1, 27 રનમાં 1, 21 રનમાં 1 અને 10 રનમાં બે વિકેટ.