મુંબઈઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષના આરંભમાં જ ભારતના પ્રવાસે આવવાની છે. તે ભારતમાં પહેલી જ વાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન પર રમાશે – અમદાવાદના મોટેરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં. આ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 દર્શકોની છે.
ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-ટેસ્ટ મેચ રમશે, જે સિરીઝનો આરંભ પાંચમી ફેબ્રુઆરીથી થશે. પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે અને ત્યારબાદ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ હશે, ચોથી દિવસની મેચ હશે.
ટેસ્ટ સિરીઝ બાદ બંને ટીમ પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે, જે અમદાવાદમાં જ રમાશે. ત્યારબાદ બંને ટીમ પુણે જશે જ્યાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.