રોહિત શર્માની સદી બેકાર ગઈ; બર્મિંઘમ વર્લ્ડ કપ મેચમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 31-રનથી પરાજય

બર્મિંઘમ – અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે ઈંગ્લેન્ડે ભારતને 31-રનથી પરાજય આપ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદી (102) છતાં ભારત ટાર્ગેટને ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું. ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટે 306 રન જ કરી શકી. વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 42 અને કેદાર જાધવ 12 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વર્લ્ડ કપ સ્પર્ધામાં 27 વર્ષમાં ઈંગ્લેન્ડે આ પહેલી જ વાર ભારત પર વિજય હાંસલ કર્યો છે.

વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો આ પહેલો પરાજય છે. આજે ભારત પરની જીત સાથે સેમી ફાઈનલમાં પહોંચવાની ઈંગ્લેન્ડની આશા ઉજળી થઈ છે, જ્યારે પાકિસ્તાનની આશા લગભગ પડી ભાંગી છે.

ભારતની હજી બે મેચ બાકી છે. સેમી ફાઈનલમાં પ્રવેશવા માટે એણે વધુ માત્ર એક જ પોઈન્ટ મેળવવાની જરૂર છે. હવે ભારતનો મુકાબલો 2 જુલાઈએ એજબેસ્ટન, બર્મિંઘમમાં જ બાંગ્લાદેશ સામે અને 6 જુલાઈએ હેડિંગ્લી, લીડ્સ ખાતે શ્રીલંકા સામે છે.

212મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતા શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં તેની આ ત્રીજી અને કારકિર્દીની 25મી સદી ફટકારી હતી. એણે તેના 100 રન 106 બોલમાં અને 15 ચોગ્ગાની મદદથી કર્યા હતા. એણે સદી પૂરી કરી ત્યારે ભારતનો સ્કોર 35મી ઓવરમાં 2 વિકેટે 186 રન હતો, પણ એ ત્યારબાદ ઝાઝું ટક્યો નહોતો અને વધુ બે રન કરીને આઉટ થયો હતો. એ પહેલાં, કેપ્ટન વિરાટ કોહલી 66 રન કરીને આઉટ થયો હતો. એણે અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં કોહલીની આ સતત પાંચમી અડધી સદી છે.

ભારતે ઓપનર લોકેશ રાહુલને 8 રનના સ્કોર પર ગુમાવી દીધો હતો. એણે ખાતું પણ ખોલાવ્યું નહોતું. ત્યારબાદ શર્મા અને કોહલીએ 138 રનની ભાગીદારી કરતાં ભારત પડકારને પહોંચી વળશે એવું જણાયું હતું. 146 રનના સ્કોર પર કોહલીની વિકેટ પડ્યા બાદ 198ના સ્કોર પર રોહિત શર્મા પણ આઉટ થતાં ભારતને મોટા આંચકાનો અનુભવ થયો હતો. રિષભ પંત 32 રન કરીને 226 રનના સ્કોર પર આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા (42) ક્રીઝ પર હતો ત્યાં સુધી ભારતને જીતની આશા હતી, પણ 267 રનના સ્કોર પર એની પણ વિકેટ પડતાં ભારતની મુસીબત વધી ગઈ હતી. ધોની (42*) ખાસ ફટકાબાજી કરીને મેચને ભારતની બાજુએ વાળી શક્યો નહોતો.

ફાસ્ટ બોલર લિઆમ પ્લન્કિટે 3 વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે બે વિકેટ લીધી હતી, પણ બાઉન્ડરી લાઈન પર રિષભ પંતનો એણે પકડેલો કેચ સ્પર્ધાના બેસ્ટ કેચમાંનો એક હતો.

ઈંગ્લેન્ડ માટે આજની મેચ ‘કરો-યા-મરો’ જેવી મહત્ત્વની હતી. જો તે આજે હારી ગયું હોત તો સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું હોત. ભારત સામે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરીને ઈંગ્લેન્ડે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 337 રનનો તોતિંગ સ્કોર ખડો કર્યો હતો. ઈંગ્લેન્ડનો આ સ્કોર તેના ઓપનર જોની બેરસ્ટોના 111 રન, સાથી ઓપનર જેસન રોય (66) સાથે એની 160 રનની ભાગીદારી, બેન સ્ટોક્સના ધુઆંધાર 79 રન, જો રૂટ (44) સાથે સ્ટોક્સની 70 રનની ભાગીદારીના જોરે થયો હતો. ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (10 ઓવરમાં 44 રન 1 વિકેટ)ને બાદ કરતાં અન્ય ચારેય બોલરો ઝૂડાઈ ગયા હતા. જોકે આ 7 વિકેટમાંથી 5 વિકેટ લેવામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સફળ થયો હતો. એણે 10 ઓવરમાં 69 રન આપ્યા હતા. એની છેલ્લી, જે દાવની 49મી ઓવર હતી, એમાં 15 રન લેવામાં બેન સ્ટોક્સ સફળ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓ નવા – કેસરી રંગવાળા જર્સીમાં સજ્જ થઈને રમવા મેદાનમાં ઉતર્યા હતા.

ઈંગ્લેન્ડના બેટ્સમેનોમાં બેરસ્ટો ખૂબ જ આક્રમક રીતે રમ્યો હતો. એણે 90 બોલમાં સદી પૂરી કરી હતી અને આખરે 109 બોલમાં 111 રન કરીને આઉટ થયો હતો. એણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. રોયે તેના 57 બોલના દાવમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ઝીંક્યા હતા.

બેન સ્ટોક્સે પણ ભારતના બોલરોને પીટવામાં જરાય બાકી રાખ્યું નહોતું. એ માત્ર 54 બોલ રમ્યો હતો અને એમાં છ ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આખરે દાવની આખરી ઓવરમાં તે આઉટ થયો હતો. બુુમરાહને મળેલી એ પહેલી વિકેટ હતી. ફાઈન લેગ સ્થળે સબસ્ટિટ્યૂટ ફિલ્ડર રવિન્દ્ર જાડેજાએ એનો કેચ પકડ્યો હતો. આ જ જાડેજાએ ભારતને પહેલી સફળતા અપાવવામાં પણ ભાગ ભજવ્યો હતો. શમીની બોલિંગમાં એણે બાઉન્ડરી લાઈન પર ડાઈવ મારીને ઉત્કૃષ્ટ કેચ પકડ્યો હતો.

ભારતનો સૌથી વધારે ખર્ચાળ બોલર રહ્યો હતો લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ. એણે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા. ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવની 10 ઓવરમાં 72 રન કરવામાં ઈંગ્લિશ બેટ્સમેનો સફળ થયા હતા. યાદવ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ 10 ઓવરમાં 60 રન આપ્યા હતા.

ટોસ હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે વાંધો નહીં, ટાર્ગેટ ચેઝ કરવાનું અમને ગમશે. હું ટોસ જીત્યો હોત તો મેં પણ પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હોત.

ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો હતો. વિજય શંકરની જગ્યાએ રિષભ પંતને ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. પંતે 29 બોલમાં 32 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડે પણ એક ફેરફાર કર્યો હતો. મોઈન અલીની જગ્યાએ લિઆમ પ્લન્કિટને સામેલ કર્યો હતો.

ભારતીય ઈલેવનઃ રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

ઈંગ્લેન્ડ ઈલેવનઃ જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઈન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, લિઆમ પ્લન્કિટ, જોફ્રા આર્ચર, માર્ક વૂડ.

સ્પર્ધામાં ભારતીય ટીમ આજની મેચ પૂર્વે અપરાજિત રહી હતી. એ છ મેચમાંથી પાંચ મેચ જીતી હતી અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે પરિણામવિહોણી રહેવા પામી હતી. ભારત આ પૂર્વેની મેચોમાં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને હરાવી ચૂક્યું હતું.

આજની મેચમાં ભારત જીતે એવી પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓ દુઆ કરી રહ્યાં હતા, પણ એમની દુઆ કારગત નિવડી નથી.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ટીવી કોમેન્ટેટર નાસીર હુસેને ટ્વિટર પર પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓ માટે સવાલ મૂક્યો છે કેઃ રવિવારની મેચમાં ઈંગ્લેન્ડ અને ભારતમાંથી કોણ જીતે એવું તમે ઈચ્છશો?

મોટા ભાગના પાકિસ્તાનીઓએ કહ્યું છે કે ભારત જીતે એવું તેઓ ઈચ્છે છે. નાસીર અલી નામના એક ચાહકે તો પોતાના જવાબમાં આમ લખ્યું છેઃ ‘જન ગણ મન અધીનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ.’