મુંબઈઃ એજાઝ પટેલ ટેસ્ટની એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે. તેણે ભારત અને ન્યુ ઝીલેન્ડની બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે શનિવારે આ પરાક્રમ કર્યું હતું. એજાઝ પટેલે મોહમ્મદ સિરાઝના રૂપમાં પોતાની 10મી વિકેટ લીધી હતી. ભારતના અનિલ કુંબલે અને ઇંગલેન્ડના જિમ લેકર પછી આ સિદ્ધિ મેળવનાર એ માત્ર ત્રીજો ક્રિકેટર છે. અત્યાર સુધી ત્રણ વખતે આ સિદ્ધિ સ્પિન બોલરે મેળવી છે, પણ એજાઝે વિદેશમાં આ પરાક્રમ કર્યું છે. આ પહેલાં કુંબલે અને લેકરે પોતાના દેશમાં આ સિદ્ધિ મેળવી હતી.
એજાઝ પટેલની આ 10મી ટેસ્ટ હતી. આ પહેલાં તેણે એક પણ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટથી વધુ વિકેટ નથી લીધી. તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન 59 રનમાં પાંચ વિકેટનું રહ્યું છે. 68 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા પછી એક ઇનિંગ્સમાં એજાઝ મહત્તમ છ વિકેટ લઈ શક્યો છે. એજાઝનો જન્મ મુંબઈમાં થયો છે, પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.એજાઝ પહેલા જિમ લેકરે આ સિદ્ધિ 1956માં ઓસ્ટ્રેલિયા સામે માનચેસ્ટરમાં મેળવી હતી. જ્યારે અનિલ કુંબલેએ 1999માં દિલ્હીમાં પાકિસ્તાન સામે 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ન્યુ ઝીલેન્ડ સામે આ પહેલાં બીજી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં મયંક અગ્રવાલે 150, શુભમન ગિલે 44 અને અક્ષર પટેલે 52 રનની મદદથી ટીમ ઇન્ડિયાએ 325 રન બનાવ્યા હતા. જ્યારે ન્યુ ઝીલેન્ડે પહેલી ઇનિંગ્સમાં 38 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મસ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી.