ટીમ-ઈન્ડિયાનો દક્ષિણ-આફ્રિકા ખાતેનો પ્રવાસ કદાચ વિલંબિત થશે

મુંબઈઃ દક્ષિણ આફ્રિકા દેશમાંથી જ કોરોનાવાઈરસનો નવો સ્ટ્રેન ઓમિક્રોન ફેલાયો છે અને એને કારણે આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ દેશ ખાતે ભારતીય ક્રિકેટ ટીમનો આગામી પ્રવાસ આને કારણે વિલંબિત થવાની સંભાવના છે. મૂળ કાર્યક્રમ અનુસાર ટીમ ઈન્ડિયા 17 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં પહેલી ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને કારણે ટીમનો પ્રવાસ એક અઠવાડિયા માટે મોકુફ રખાયો છે. એએનઆઈ સમાચાર સંસ્થાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક સિનિયર અધિકારીને એવું કહેતા ટાંક્યા છે કે, ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં લઈને ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ એક અઠવાડિયા માટે મોડો શરૂ કરવા વિશે અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમે આ માટે ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. બંને દેશના ક્રિકેટ બોર્ડ તો આ મામલે સતત સંપર્કમાં રહે જ છે. આપણા ખેલાડીઓના આરોગ્ય અને સલામતીને અમે ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ.

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને ચાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવાની છે.