લંડનઃ ભારતીય ક્રિકેટ સંઘમાં કોરોનાવાઈરસનો ચેપ લાગુ પડતાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ ગઈ 10 સપ્ટેમ્બરે, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર શરૂ થાય એના બે કલાક પહેલાં જ રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે એ મેચ ક્યારે યોજવી તે વિશે મનોમંથન ચાલી રહ્યું છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) તથા ભારતીય ક્રિકેક કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધિકારીઓ વચ્ચે આ વિષય પર ચર્ચાના અનેક રાઉન્ડ થયા છે, પરંતુ તેઓ કોઈ નિર્ણય પર આવી શક્યા નથી અને હવે મેચ યોજવાનો નિર્ણય બંને બોર્ડે ક્રિકેટની કેન્દ્રીય સંચાલક સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પર છોડ્યો છે.
પાંચ-મેચોની શ્રેણીમાં વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ભારતીય ટીમ 2-1થી આગળ છે. તે હવે સિરીઝમાં હારી શકે એમ નથી જ્યારે ઈંગ્લેન્ડ જો સિરીઝની હારમાંથી બચવા માગતું હોય તો પાંચમી ટેસ્ટ (રમાય તો) એ તેણે જીતવી જ પડે. તે મેચ ડ્રો જાય તો પણ ભારત શ્રેણીવિજેતા બને.
ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી તથા સપોર્ટ સ્ટાફના અમુક સભ્યોને કોરોનાનો ચેપ લાગતાં મેચ રદ કરવાન મુસીબત આવી પડી હતી. હવે આઈસીસી પાસે કયો વિકલ્પ છેઃ કાં તો એ માન્ચેસ્ટરની ટેસ્ટ આવતા વર્ષે ફરી રમાડે. ધારો કે આઈસીસી આ ટેસ્ટને કોવિડ-19 કારણસર રદ કરે તો આ ટેસ્ટને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સમાં જોડી શકાશે નહીં. એ પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડ અને ભારત, બંનેને એકેય પોઈન્ટ મળી શકે નહીં. તે પછી ભારતને 2-1થી શ્રેણીવિજેતા ઘોષિત કરવું પડે. આ વાત ઈંગ્લેન્ડ પસંદ નહીં કરે. બીજો પર્યાય એ છે કે ધારો કે ભારતીય ટીમ ભવિષ્યમાં ટેસ્ટ મેચ રમવામાં અસમર્થ બને તો આઈસીસી તે ટેસ્ટમાં ઈંગ્લેન્ડને વિજેતા ઘોષિત કરી દે અને તો સિરીઝ 2-2થી સમાન બનીને સમાપ્ત થયેલી ગણાય. આ વાત ભારત પસંદ નહીં કરે. તેથી બંને દેશના ક્રિકેટ બોર્ડે ભવિષ્યમાં બંને દેશની ટીમને અનુકૂળ હોય એવી કોઈ તારીખોએ આ ટેસ્ટ મેચ રમાડવાની આઈસીસીને વિનંતી કરી છે. આમ, હવે આખરી નિર્ણય આઈસીસીએ લેવાનો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે એવી રજૂઆત કરી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નિયમ અનુસાર, ધારો કે કોરોના ચેપને કારણે કોઈ ટીમની ફિલ્ડિંગ ક્ષમતાને માઠી અસર પડે તો એ ટીમને મેચમાંથી ખસી જવાનો અધિકાર છે. બીજી બાજુ, ઈસીબીની દલીલ છે કે આ મેચમાં ભારતના એકેય ખેલાડીને કોરોનાનો ચેપ લાગ્યો નહોતો. તેથી કોરોનાને કારણે આ ટેસ્ટ મેચ રદ કરાઈ નથી. ખેલાડીઓના માનસિક આરોગ્ય અને હિતને ખાતર જ ટેસ્ટ રદ કરવામાં આવી છે.