નવી દિલ્હીઃ IPL-2022માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે વિરાટ કોહલીની બેટિંગ હાલના સમયે ચિંતાનો વિષય છે, પણ તેને RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનો પૂરો ટેકો મળી રહ્યો છે. કોહલી હાલની સીઝનમાં બે વાર ડક (ઝીરો)માં આઉટ થયો હતો. વળી, હાલમાં RR સામેની મેચમાં કોહલી માત્ર નવ રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં RCBને હાર મળી હતી, છતાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ કોહલીનો બચાવ કરતાં કહ્યું હતું કે મહાન ક્રિકેટરો આ પ્રકારના ખરાબ ફોર્મમાં પસાર થતા હોય છે.
RRએ આ મેચમાં RCBને માત્ર 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો, છતાં બેંગલોરે 58 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. કોહલીએ આ સીઝનમાં નવ મેચમાં માત્ર 128 રન બનાવ્યા હતા.
અમે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો, જેથી અમને માલૂમ પડે કે જે ફેરફાર કર્યો હતો, એ યોગ્ય છે કે નહીં. એ માટે અમે આ મેચમાં કોહલીને ઓપનિંગમાં બેટિંગ કરવા મોકલ્યો હતો. અમે હકારાત્મક અભિગમથી રમવાના પ્રયાસ કરીશું. અમે કોહલીના કંગાળ ફોર્મ બાબતે તેની સાથે વિચારવિમર્શ કર્યો હતો અને અમને આશા છે કે તે ફરીથી સારા ફોર્મમાં આવી જશે, એમ કેપ્ટને મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું. અમે ટોપ ઓર્ડરમાં સાતત્યતા જાળવી નથી શક્યા, પણ અમે ટૂંક સમયમાં એ સમસ્યા દૂર કરીશું, એમ તેણે કહ્યું હતું. અમે આ મેચમાં 20 રન વધુ આપ્યા હતા અને અમારા ખેલાડીઓએ કેચો પણ છોડ્યા હતા.
રાજસ્થાન રોયલ્સે આ મેચ 29 રનથી જીતી લીધી હતી.