શાહિદ અફરીદીનો બકવાસઃ કશ્મીર ભારત કે પાકિસ્તાનને આપવું ન જોઈએ, એને સ્વતંત્ર કરી દેવું જોઈએ

લંડન – પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફરીદીએ કશ્મીર મુદ્દે ફરી એવી કમેન્ટ કરી છે જેને કારણે એના દેશની સરકાર એની પર ભડકી જશે અને ભારતના લોકો એની પર ટીકાનો વરસાદ વરસાવશે.

અફરીદીએ લંડનમાં એક પત્રકાર પરિષદમાં એવું નિવેદન કર્યું છે કે પાકિસ્તાનને કશ્મીરની જરૂર નથી, કારણ કે પાકિસ્તાન એના ચાર પ્રાંતને પણ સંભાળી શકતું નથી.

પાકિસ્તાનના સૌથી મોટા ક્રિકેટ સ્ટાર્સમાં જેની ગણના કરવામાં આવે છે તે અફરીદી બ્રિટીશ સંસદમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યો હતો.

પરિષદમાં એના વક્તવ્યવાળો વિડિયો હાલ ઓનલાઈન ફરતો થયો છે. એમાં અફરીદી એવું બોલતા સંભળાય છે કે પાકિસ્તાને કશ્મીરની માગણી કરવી ન જોઈએ અને ભારતને પણ તે આપવું ન જોઈએ, એને બદલે કશ્મીરને એક અલગ દેશ બનાવી દેવો જોઈએ. ત્યાં લોકોને આ રીતે મરવા દેવા ન જોઈએ, માનવતા જીવંત રહેવી જોઈએ.

અફરીદીએ કશ્મીર મુદ્દે આ કંઈ પહેલી જ વખત બકવાસ નથી કર્યો. અગાઉ પણ એ વાંધાજનક ટ્વીટ કરી ચૂક્યો છે. એ વખતે એણે ટ્વીટમાં કશ્મીરને ભારતે કબજે કરેલા કશ્મીર તરીકે ઓળખાવ્યું હતું અને કહ્યું હતું કે ત્યાં શાસન દ્વારા લોકોનું દમન કરવામાં આવી રહ્યું છે. ક્યાં છે યૂએન તથા અન્ય સંસ્થાઓ, શા માટે તેઓ આ રક્તપાત રોકવા માટે પગલાં લેતા નથી?

httpss://twitter.com/Mr_360Abd/status/1062650785719181312

ભારતમાં, 2016ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ વખતે પણ અફરીદીએ કશ્મીર વિશે કમેન્ટ કરી હતી જેને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એની સખત રીતે ઝાટકણી કાઢી હતી.