મહિલાઓની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપઃ ભારત સેમી ફાઈનલમાં; મિતાલીનો રેકોર્ડ

જ્યોર્જટાઉન (ગયાના) – અહીં રમાતી મહિલાઓની વર્લ્ડ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સ્પર્ધામાં ભારતે ગઈ કાલે પોતાના ગ્રુપ-Bમાં આયરલેન્ડને 52 રનથી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા બાદ ભારત બીજા સ્થાને છે. ભારત હવે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સ્પર્ધામાં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. આ પહેલાં ભારતે ન્યુ ઝીલેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું હતું.

આયરલેન્ડની ટીમની કેપ્ટન લૌરા ડીલેનીએ ટોસ જીત્યો હતો અને ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. મિતાલી રાજ (51) અને સ્મૃતિ મંધાના (33)ની ઓપનિંગ જોડીએ 67 રનની ભાગીદારી કરતાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 145 રન કર્યા હતા. તેના જવાબમાં, આયરલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 93 રન જ કરી શકી હતી.

રાધા યાદવે 25 રનમાં 3, દીપ્તી શર્માએ 15 રનમાં 2 અને પૂનમ યાદવ-હરમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.

ભારતના દાવમાં, મિતાલી અને મંધાનાની જોડી તૂટ્યા બાદ કોઈ બેટ્સવુમને મોટો સ્કોર કર્યો નહોતો. જેમિમા રોડ્રીગ્સે 18, કેપ્ટન હરમનપ્રીત કૌરે 7, વેદા કૃષ્ણમૂર્તિએ 9, ડી. હેમલતાએ 4 રન કર્યા હતા. દીપ્તી શર્મા 11 રન કરીને નોટઆઉટ રહી હતી.

ગઈ કાલની મેચની વિશેષતા ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનર મિતાલી રાજની અડધી સદી હતી જે એની કારકિર્દીની 17મી છે. મિતાલી હવે ટ્વેન્ટી-20 ફોર્મેટમાં ભારતની હાઈએસ્ટ રનકર્તા બની છે. એણે પુરુષ બેટ્સમેનો – રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધાં છે.

મિતાલીએ કુલ 2,232 રન કર્યા છે. રોહિત શર્માએ 2,207 અને કોહલીએ 2,012 રન કર્યા છે.

httpss://twitter.com/i/status/1063132933513506817