હું કોલકાતામાં ફૂટબોલના વિકાસના ઉદ્દેશ્ય માટે આવ્યો છું: મારાડોના

બારાસાત (પશ્ચિમ બંગાળ) – આર્જેન્ટિનાનાં દંતકથાસમા ફૂટબોલર ડિયેગો મારાડોનાએ અહીં કદમબાગચી ખાતે એક ખાનગી સ્પોર્ટ્સ એકેડેમીની આજે મુલાકાત લીધી હતી અને ત્યાં એમણે કહ્યું કે, મારી અહીંની મુલાકાત ફૂટબોલના હેતુ માટેની છે.

મારાડોનાએ સ્કૂલમાંથી આવેલા બાળકો સાથે લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી. 60 જેટલા બાળકોને એમણે પોતાના ડ્રિબ્લિંગ કૌશલ્ય અને ડાબા પગથી બોલને ફટકારવાની કળાની ઝલક બતાવી હતી.

મારાડોનાએ એ મુલાકાત વખતે સ્પેનિશ ભાષાનાં બે ગીત પણ ગાયા હતા.

બારાસાત વિસ્તાર કોલકાતા શહેરથી લગભગ 35 કિ.મી. દૂર આવેલું છે. ત્યાં મારાડોનાનું સ્વાગત કંગાળ રીતે કરવામાં આવતાં 1986ની વર્લ્ડ કપના આ હીરો ખેલાડી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સામેની ‘મેચ ફોર યુનિટી’માંથી હટી ગયા હતા.

મારાડોના પશ્ચિમ બંગાળમાં ત્રણ-દિવસના ખાનગી પ્રવાસે આવ્યા છે.

આશાસ્પદ ફૂટબોલ ખેલાડીઓ સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે હું અહીંયા ફૂટબોલના હેતુસર આવ્યો છું. ભારતમાં ફૂટબોલની રમતના વિકાસ માટે અમે અહીંના પ્રધાન સાથે ચર્ચા કરીશું. આ એક મોટું પગલું છે.

57 વર્ષીય મારાડોનાએ કહ્યું કે ભારતમાં ખરેખર ઘણા સારા ફૂટબોલ ખેલાડીઓ છે અને છોકરાઓ માટે ફૂટબોલ તાલીમ સ્કૂલ પણ છે. ફૂટબોલને ભારતની જરૂર છે અને ભારતને ફૂટબોલની. અહીંના પ્રધાન અને લોકોની સાથે મળીને અમે ફૂટબોલનો વિકાસ કરીશું. ભારતમાં કાયમ મારું સરસ રીતે સ્વાગત કરવામાં આવે છે. આભાર.

મારાડોના બાળકો સાથે એટલા બધા હળીમળી ગયા હતા કે એમની સાથે તસવીર પડાવવા માટે મેદાનમાં નીચે બેસી ગયા હતા.

એ પ્રસંગે લગભગ 6 હજાર જેટલા લોકો હાજર હતા અને એમાંના ઘણા લોકો ‘ડિયેગો ડિયેગો’ નાદ લગાવતા હતા. દર્શકોના આશ્ચર્ય વચ્ચે મારાડોનાએ માઈક્રોફોન પોતાના હાથમાં લઈને બે સ્પેનિશ ગીત ગાઈ સંભળાવ્યા હતા.

સિટી ઓફ જૉય કોલકાતામાં મારાડોનાની આ બીજી મુલાકાત છે. અગાઉ એ 2008ના ડિસેમ્બરમાં આવ્યા હતા.